અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ધોળા દિવસે બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. બપોરના સમયે છાશ લેવા નીકળેલા સાત વર્ષના બાળકને એક યુવક સાથે લઈ જઈ રહ્યો હતો, ત્યારે સ્થાનિકોની સતર્કતાને કારણે બાળકનો બચાવ થયો હતો. લોકોએ શંકાસ્પદ યુવકને પકડી પાડી પોલીસને હવાલે કર્યો છે.
https://www.instagram.com/reel/DXi2r1AE4tq/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ચાંદખેડામાં જી.એસ.સી. કો-ઓપરેટિવ બેંક પાસે આવેલી સોસાયટીમાં રહેતો સાત વર્ષનો બાળક બપોરે ઘર નજીક છાશ લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ઉત્તર પ્રદેશનો શિવમ યાદવ નામનો યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે બાળકને જોઈ તેને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
યુવક જ્યારે બાળકને લઈ જઈ રહ્યો હતો, ત્યારે આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું. બનાવની ગંભીરતા જોઈ સ્થાનિકોએ તરત જ શિવમને અટકાવ્યો હતો અને બાળકની પૂછપરછ કરી તેને મુક્ત કરાવ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ શિવમ યાદવને જાહેરમાં ‘મેથીપાક’ આપ્યો હતો અને સમગ્ર મામલે ચાંદખેડા પોલીસને જાણ કરી હતી.
ચાંદખેડા પોલીસે શિવમ યાદવની અટકાયત કરી છે. પોલીસ એ પાસા પર તપાસ કરી રહી છે કે આરોપી અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે કે કેમ અને તેનો ચોક્કસ ઈરાદો શું હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારના રહીશોમાં ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.