નવસારીના બીલીમોરામાં પણ મેળો ભરાયો હતો અને મેળાનું નામ સોમનાથ મેળો છે, હજારો લોકો રાઈડની મજા મેળામાં માણતા હોય છે અને મેળાની મજા લેતા હોય છે, ત્યારે બીલીમોરામાં ભરાયેલ મેળામાં અચાનક ટાવર રાઈડ તૂટી પડતા દોડધામ મચી હતી અને પોલીસ અને ફાયર વિભાગ દોડી ગયું હતુ.
શ્રાવણ માસને લઈ જે રીતે પૌરાણિક મેળા યોજાય છે તેની મંજૂરી કોર્પોરેશન અને નગરપાલિકા આપતી હોય છે, ઘણી વાર રાઈડની સંપૂર્ણ તપાસ કરવામાં આવતી નથી જેના કારણે આવી ઘટના બનતી હોય છે, ઘણીવાર મેળાઓમાં રાઈડ તૂટી જતી હોય છે તેવા બનાવો બન્યા છે, ત્યારે નગરપાલિકાની ટીમની કયાંક કચાસ રહી ગઈ હોય તેવું ફલિત થાય છે, મેળાના સંચાલકો પણ રૂપિયા કમાવવાની લ્હાયમાં રાઈડ સંચાલકોને મંજૂરી આપી દેતા હોય છે, ત્યારે રાઈડ સંચાલકો પણ રાઈડનું મેઈન્ટેનસ સરખું કરતા નથી હોત અને ઘણીવાર લોકોના જીવ પણ જતા હોય છે.
શ્રાવણ માસના સોમનાથના મેળામાં ટાવર રાઈડ તૂટી પડતા દોડધામ મચી હતી અને લોકો ગભરાઈ ગયા હતા અને મેળો છોડીને ભાગ્યા હતા, આ રાઈડ ચાલુ હતી તે દરમિયાન તૂટી પડી હતી, આ સમગ્ર ઘટનામાં 2 બાળકો, મહિલા અને રાઈડ ઓપરેટરને ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તો પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ શરૂ કરી છે, રાઈડ કેમ તૂટી તેનું ચૌક્કસ કારણ સામે આવ્યું નથી, બીલીમોરા પોલીસે હાલ તમામ રાઇડ બંધ કરાવી છે.
