રાજ્યની રાજધાની ગાંધીનગરમાં એક ગંભીર અને ચકચારી ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર 24 વિસ્તારમાંથી આજે એક મહિલા પોલીસકર્મીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક મહિલા પોલીસ અમદાવાદમાં ફરજ બજાવતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે, અને તુરંત જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટર્સમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ શરૂ કરી છે. યુવતીના શરીર પર ઈજાના નિશાન મળી આવતા હત્યા થઈ હોવાની આશંકા છે.
મૃતદેહ મળી આવવાની જાણકારી મળતાની સાથે જ ગાંધીનગર પોલીસની ટીમ તાત્કાલિક સેક્ટર 24 ખાતે પહોંચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ પણ બોલાવવામાં આવી હતી. FSL ટીમે મૃતદેહ અને આસપાસના વિસ્તારમાંથી જરૂરી પુરાવાઓ એકઠા કરવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃતદેહ મળ્યા બાદ પોલીસે આ મામલે અકસ્માતે મોત કે આત્મહત્યા અથવા અન્ય કોઈ કારણ છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસની અલગ અલગ ટીમ એક્ટિવ કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલના મોબાઈલના CDR મેળવવાનું શરૂ કરાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા કોન્સ્ટેબલના ભાઈ ભાભી ભાવનગર ખાતે વતનમાં માતાજીનુ નેવૈદ્ય કરવાં ગયા હતા. બહેન ફોન રીસીવ કરતી ન હોવાથી પડોશીને જાણ કરાઈ હતી. પાડોશીએ તપાસ કરતાં ઘરના દરવાજાને બહારથી નકૂચો હતો. જે ખોલીને પડોશીએ અંદર જોતા મહિલા કોન્સ્ટેબલ નિર્વસ્ત્ર હાલતમાં બેભાન જોવા મળી હતી. જેથી 112 ઇમરજન્સી સેવાને ફોન કરીને એમ્બ્યુલસ બોલાવવામાં આવી હતી. અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
આ બનાવની જાણ થતા ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી ,એલસીબી, તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.
સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ છે કે, મહિલા પોલીસકર્મીના મોત પાછળનું ચોક્કસ કારણ હાલમાં અકબંધ છે. આ ઘટના પાછળ કોઈ અંગત કારણ જવાબદાર છે, કે પછી કોઈ અન્ય પરિબળ, તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. અમદાવાદમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી ગાંધીનગરમાં કેવી રીતે પહોંચી અને તેમનું મૃત્યુ કયા સંજોગોમાં થયું, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ વિભાગ આ સમગ્ર રહસ્ય પરથી ઝડપથી પડદો ઊંચકવા માટે સઘન પ્રયાસો કરી રહ્યું છે.