અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વ્યાજખોરોના આંતકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારે વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કરી દીધા હોવા છતાં, વ્યાજખોરો દ્વારા પરિવારને વધુ રકમની માગણી કરીને હેરાન કરવામાં આવી રહ્યો હતો. આ વ્યાજખોરોએ શરૂઆતમાં જ 12 કોરા ચેક પર સહી કરાવી લીધી હતી અને એટલું જ નહીં, પરંતુ ડરાવી ધમકાવીને પરિવારનું રહેણાંક મકાન પણ પોતાના નામે લખાવી દીધું હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
વ્યાજખોરોની હિંમત એટલી વધી ગઈ હતી કે, વ્યાજની રકમ ચૂકવ્યા બાદ પણ તેઓએ પીડિત પરિવાર પાસે વધારે રૂપિયાની માગણી કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે પરિવારે આ રકમ આપવાનો ઇનકાર કર્યો, ત્યારે વ્યાજખોરોએ તેમને ગંભીર ધમકીઓ આપવાનું શરૂ કર્યું. જેમાં, આખા પરિવારને ઉપાડી જવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. વ્યાજખોરોના આ માનસિક અને આર્થિક ત્રાસથી કંટાળીને અંતે પરિવારે પોલીસનો સહારો લીધો હતો.
વ્યાજખોરોના સતત ત્રાસ અને ધમકીઓથી પીડિત પરિવારે હિંમત કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તત્કાલ કાર્યવાહી કરીને કુલ 6 વ્યાજખોરો સામે સત્તાવાર ફરિયાદ નોંધી છે. ફરિયાદના આધારે પોલીસે વ્યાજખોરોની ધરપકડ કરવા અને મકાન પાછું મેળવવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ખાતરી આપી છે કે આ મામલામાં સંડોવાયેલા તમામ વ્યાજખોરો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી શહેરમાં વ્યાજખોરીનો આતંક અટકી શકે.