આગામી ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓમાં બજેટ રજૂ થાય છે. જોકે, ચાલુ વર્ષે ચૂંટણી હોવાના પગલે એક મહિનો વહેલા બજેટ રજૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણીના વર્ષ 2026-27ના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા જોઈએ છે, તેના માટે સૂચન મંગાવવામાં આવ્યા છે. શહેરીજનોને પુરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી, લાઈટ, બાગ બગીચા, સફાઈ અને વિકાસનાં કામો વગેરે બાબતોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. અમદાવાદીઓ આજે 28થી 30 ઓક્ટોમ્બર સુધીમાં નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે amcbudget202627@gmail.com પર પોતાના સૂચનો મોકલી શકે છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના વાર્ષિક બજેટમાં નાગરિકોને તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી લઈને વિકાસના કામો માટે સૂચનો મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ બજેટમાં માટે નાગરિકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. શહેરીજનો દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં રાખી અને જે મુદ્દાઓ સમાવિષ્ટ કરવા લાયક હશે તેને કોર્પોરેશન દ્વારા આગામી બજેટમાં ધ્યાનમાં લેવામાં આવશે.
ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત નવી મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવાની છે, ત્યારે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી હોવાથી ડિસેમ્બરના અંતિમ અઠવાડિયા અથવા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ભાજપના સત્તાધીશો દ્વારા વર્ષ 2025- 26નું બજેટ રજૂ કરી દેવામાં આવશે. ચૂંટણીનું વર્ષ હોવાના કારણે ભાજપના સત્તાધીશો નાગરિકોના મત મેળવવા માટે દરેક વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસના કામોની લહાણી કરશે. જે સૂચનો આવ્યા હશે, તેમાં મોટાભાગના સૂચનોને ધ્યાનમાં રાખીને આ વર્ષે બજેટ રજૂ કરવામાં આવશે. જો સૂચન મુજબ વિકાસ કાર્યો બજેટમાં નહીં ફરવાય તો પણ ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે, જેના કારણે બજેટમાં મોટાભાગના સૂચનોનો સમાવેશ કરાય તેવી શક્યતા છે.