ગુજરાતના જાણીતા વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક પદ્મ શ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે. લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય પર આધારિત 90 જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરનાર. રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે.
1964થી જોરાવરસિંહ જાદવે ‘સહકાર’ સાપ્તાહિક, ‘ગ્રામસ્વરાજ’ તથા ‘જિનમંગલ’ માસિકોના સંપાદનની જવાબદારી સંભાળી હતી. રેડિયો તથા ટેલિવિઝન ઉપર લોકકલાકારોના કાર્યક્રમોનું આયોજન-સંચાલન કર્યું તેમજ સામયિકોમાં લેખો પણ લખ્યા હતા. આ ઉપરાંત 1978માં તેમણે ‘ગુજરાત લોકકલા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. આ સંસ્થાએ ગુજરાત અને રાજસ્થાનના અભણ, શોષિત અને વિચરતી જાતિના લોકકલાકારોને પ્રજા સમક્ષ રજૂ કરી એ કલાકારોને અભિવ્યક્તિની તક, મોકળાશ અને મંચ પૂરાં પાડ્યાં. આ રીતે લોકકલાના પ્રસાર સાથે લોકકલાકારોની આર્થિક ઉન્નતિ માટેનું સેવાકાર્ય પણ તેમના દ્વારા ચાલતું રહ્યું છે. આ ફાઉન્ડેશને અનેક લોકકલાકારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડ્યો છે.
