નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
Views: 68
1 0

Read Time:7 Minute, 48 Second

નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય પોલીસનું યુનિક પોલિસિંગ છે. આ વિસ્તારમાં શહેરી વસાહતો પણ આવેલી છે તો અંતરિયાળ ગામડાંઓનો પણ સમાવેશ થાય છે. એક તરફ હડપ્પન સંસ્કૃતિ ધરાવતી વિરાસતો છે તો બીજી તરફ ઔદ્યોગિક એકમો પણ મોટી સંખ્યામાં આવેલા છે. નાગરિકોની સેવા અને સુવિધા માટે જે વિવિધ પ્રકલ્પો શરૂ કરાયા છે, તેના માટે સમગ્ર અમદાવાદ ગ્રામ્ય પોલીસને અભિનંદન પાઠવું છું. જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદ ગ્રામ્ય પોલીસ રોલમૉડલ તરીકે આગળ વધશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનને કારણે આ વિસ્તારમાં મોટા પાયે રોકાણ આવ્યું છે અને ઉદ્યોગો સ્થપાતા હજારો લોકોને રોજગારી મળી છે. આ વિકાસને કારણે સામાન્ય લોકોનાં સપનાં હતાં, એ સાકાર થઈ શક્યાં છે. ઔદ્યોગિક શાંતિ બાબતે પણ પોલીસની કામગીરી બિરદાવવા લાયક છે, એવું તેમણે ઉમેર્યું હતું.

એડીઆર-શિલ્ડ પ્રોજેક્ટની પ્રશંસા કરતાં શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિસ્તારમાં સમગ્ર દેશમાંથી આવનાર શ્રમિકનો ડેટા એક પોર્ટલ પર આવશે, જેથી રોજગારીની આડમાં અહીં રહેતા ગુનેગારોને ઓળખી શકાશે. અભયયાત્રી જેવા પ્રોજેક્ટથી લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે, એવું તેમણે ઉમેર્યું હતું. પોલીસ કર્મીઓના ડેટા માટે એચઆરએમએસની પહેલને તેમણે બિરદાવી હતી.

આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે પોલીસની ભરતી આવી રહી છે ત્યારે એ માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે. પોલીસની સાથે એસઆરપી વગેરેના ગ્રાઉન્ડ પર પણ યુવાનો તૈયારી કરી શકશે. આ યુવાનો માટે કોચ તેમજ ફિજિયોથેરાપિસ્ટની વ્યવસ્થા કરવામાં આવે, એવી તૈયારી પણ રાજ્ય સરકાર કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

શ્રી હર્ષ સંઘવીએ તેરા તુજકો અર્પણ જેવી કામગીરી માટે ગુજરાત પોલીસની ભરપૂર પ્રશંસા કરી હતી અને આજે લોકોને ખોવાયેલી-ચોરી થયેલી વસ્તુઓ પોલીસના સહકારથી વહેલી તકે મળવા લાગી છે, એનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે સાયબર ક્રાઇમ અંગે ગુજરાત પોલીસની કામગીરીની વાત કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ એક જ દિવસમાં આપણે સાઇબર ગઠિયાઓ પાસેથી રૂ. 33 કરોડ પાછા મેળવી શક્યા છીએ. આ મહિનામાં પાંચ દિવસો એવા ગયા, જેમાં 3000થી વધુ લોકોએ હેલ્પલાઇન 1930 પર કૉલ કરતાં તેમને સાઇબર ગઠિયાઓથી બચાવ લેવાયા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

સાઇબર ક્રાઇમના અપરાધીઓ જે બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે, એવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, એવું જણાવીને શ્રી સંઘવીએ ઉમેર્યું હતું કે ગત આઠ ડિસેમ્બરે નક્કી થયું અને મ્યૂલ – શંકાસ્પદ એકાઉન્ટ ઓળખી કાઢવા માટે પોલીસે હલ્લાબોલ કરવાનું નક્કી કરાયંન અને માત્ર 9 દિવસમાં 508 ગુનાઓ દાખલ કરીને 423 અરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.

શ્રી હર્ષ સંઘવીએ સામાન્ય લોકો પોલીસ અધિકારીઓને મળી શકે એ માટે મુલાકાતના અમુક દિવસો અને અમુક કલાકો નિર્ધારિત કરવાનું સૂચવ્યું હતું. પોલીસથી ગુનેગારોના પગ જરૂર ધ્રુજવા જોઈએ, તેમની ચાલ બદલાઈ જવી જોઈ, પરંતુ સામાન્ય લોકો સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ, જેથી લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધી શકે, એવું તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદ રેન્જ આઈજી સુશ્રી વિધિ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા તો અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાંથી ઉમદા કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયું હતું. તેરા તુજકો અર્પણ અંતર્ગત ચાર નાગરિકોને તેમના ચોરાયેલાં નાણાં-ઘરેણાં પરત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે એક પ્રદર્શન ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનો બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, સ્માર્ટ પોલીસ સ્ટેશન, એડીઆર-શિલ્ડ, સાઇબર પોલીસિંગ, શસ્ત્રો, ડોગ સ્કોડ, ફોરેન્સિક સ્ટોલ, પોલીસનાં અત્યાધુનિક વાહનો અને સાધનો દર્શાવતા સ્ટોલ હતા, જેની મુલાકાત નાયબ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ રસપૂર્વક લીધી હતી.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ગૃહ વિભાગના અગ્ર સચિવ સુશ્રી નિપૂણા તોરવણે, જેલ અને સીઆઈડી ક્રાઇમના વડા શ્રી કે.એલ.એન. રાવ, એસીબીના નિયામક શ્રી પીયૂષ પટેલ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓમાં શ્રી બાબુભાઈ જ. પટેલ, શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી અમિત ઠાકર, શ્રી હાર્દિક પટેલ તથા અમદાવાદ શહેર અને ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ કર્મીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!