‘જીવન પછી પણ જીવન’ આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે 27 ડિસેમ્બર 2020ના રોજ શરૂ થયેલો સિવિલ હોસ્પિટલ અમદાવાદનો અંગદાન કાર્યક્રમ 27 ડિસેમ્બર 2025 ના રોજ સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. માનવતા, સંવેદના અને સેવા ભાવનાથી શરૂ થયેલી આ પહેલ આજે ઓર્ગન ફેલ્યોરથી પીડાતા અનેક દર્દીઓ માટે આશાનું કિરણ બની છે.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ આ પાંચ વર્ષની સફરને વર્ણવતા જણાવ્યું હતું કે, “સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે શરૂ કરાયેલ અંગદાન કાર્યક્રમે સફળતાપૂર્વક ૫ વર્ષ પૂર્ણ કર્યા છે. દરેક અંગદાન પાછળ દાતાના પરિવારની મહાનતા અને માનવતાનો અદભૂત દાખલો છુપાયેલો છે — દુઃખની ક્ષણોમાં પણ તેમણે કોઈ અજાણ્યા માટે જીવનની ભેટ આપી.”
અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલની આંકડાકીય સિદ્ધિઓ અને સફળતા:
- છેલ્લા પાંચ વર્ષમાં અંગદાન મહાયજ્ઞમાં કુલ 223 અંગદાતાઓ દ્વારા મળેલા 739 અંગો અને 192 પેશીઓ મળીને કુલ 931 અંગો અને પેશીઓના દાન થકી 717 લોકોના જીવનમાં નવો પ્રકાશ ફેલાવ્યો
- સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા પાંચ વર્ષની આ સફરમાં મેળવેલા કુલ દાનમાં સૌથી વધુ 410 કીડની અને 197 લીવર
- આ ઉપરાંત, 72 હૃદય, 34 ફેફસા, 18 સ્વાદુપિંડ, 2 હાથ અને 2 આંતરડાના દાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું
- અંગોની સાથે પેશીઓના દાનમાં પણ નોંધપાત્ર કામગીરી થઈ, જેમાં 162 આંખો અને 30 સ્કીન (ત્વચા)ના દાનનો સમાવેશ
રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સન્માન:
- અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલની પારદર્શક અને સમયસરની પ્રક્રિયાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ
- વર્ષ 2022-23 માં ભારતની કેન્દ્રીય સંસ્થા ‘નોટો’ (NOTTO) અને રિજીયોનલ સંસ્થા ‘રોટો’ (ROTTO) દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેસ્ટ ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર, બેસ્ટ બ્રેઇન ડેડ કમીટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડીનેટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
- ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં 74 અંગદાન થવા પર અંગદાતાઓના સંબંધીઓ અને સિવિલ હોસ્પિટલ ટીમને તેમના નિવાસસ્થાને બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાંચ વર્ષની વિશિષ્ટ ઉપલબ્ધિઓ:
- સિવિલ ખાતે ગુજરાતનું પ્રથમ હાથ દાન.
- સિવિલ ખાતે એક જ દિવસમાં ત્રણ અંગદાન.
- સિવિલ ખાતે અઠવાડિયામાં સતત છ દિવસમાં છ અંગદાન.
- સિવિલ ખાતે ગુજરાતમાં પ્રથમ નાના આંતરડાનું દાન.
-હેન્ડબુક બનાવી, જેથી કોઈ પણ હોસ્પિટલ રીટ્રાઇવલ સેન્ટર તરીકે રજિસ્ટર કરી ઓર્ગન ડોનેશન પ્રોગ્રામ ચાલુ કરી શકે
દાતાઓની વિગતો:
- જાતિ મુજબ: આ સફરમાં કુલ 173 પુરુષ અંગદાતા અને 50 સ્ત્રી અંગદાતાઓ જોડાયા છે.
- ઉંમર મુજબ: 13-25 વર્ષના 41, 26-40 વર્ષના 59, 45-60 વર્ષના 85, 61-70 વર્ષના 12 અને 70 વર્ષથી ઉપરના 06 દાતાઓ નોંધાયા છે.
- ભૌગોલિક વિગત: ગુજરાતમાંથી 196, રાજસ્થાનથી 9, મધ્ય પ્રદેશથી 9, ઉત્તર પ્રદેશથી 5, બિહારથી 3 અને નેપાળથી 1 અંગદાતા દ્વારા દાન પ્રાપ્ત થયું છે.
વર્ષ 2025માં થયેલા અંગદાન અંગે વિગતો આપતા ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, “વર્ષ 2025માં કુલ 106 દર્દીઓને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા, જેમાંથી સગાએ સંમતિ આપતા 48 દર્દીના અંગદાન થયા છે. અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સતત તાલીમ કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાન સરકાર, સંસ્થા અને વિવિધ એનજીઓ દ્વારા કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં પણ આ કાર્યક્રમ વધુ લોકો સુધી પહોંચે અને કોઈપણ દર્દી અંગની અછતને કારણે જીવન ન ગુમાવે — એ જ અમારી પ્રતિબદ્ધતા છે.”
દેશમુખ દાદા અને એમની સાથે આ નેક કામ માં જોડાયેલા દરેક વ્યક્તિ પણ સમાજ અંગદાન માટે જાગૃતિ આવે એના મારે સતત પ્રયત્નશીલ છે..
અંગદાન એ જ મહાદાન 🙏🏼
