નવા વર્ષમાં નોકરિયાત લોકોના પગાર અને નિવૃત્ત લોકોના પેન્શનમાં વધારો થવાની શક્યતા છે. CNG અને ઘરેલુ PNG સસ્તો થવાથી ખર્ચમાં થોડી બચત થશે, જોકે કેટલીક સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજદર ઘટી શકે છે, સાથે જ હવે ₹12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થશે. જાણો વર્ષ 2026માં થનારા 7 મોટા ફેરફારો…
- 8મા પગારપંચના કારણે પગારમાં વધારો થઈ શકે છે
કેન્દ્ર સરકારે 8મું પગારપંચ લાગુ કરવાની જાહેરાત કરી છે. એની સમયરેખા જાહેર નથી, પરંતુ માનવામાં આવે છે કે એ જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે. સરકારના જણાવ્યા મુજબ, એનો હેતુ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, પેન્શન અને ભથ્થાંમાં સુધારો કરવાનો છે. ધારો કે તમારો હાલનો મૂળ પગાર 7મા પગારપંચ મુજબ ₹35,400 છે, તો DA અને HRA પછી એ લગભગ ₹65,500 થાય છે. 8મા પગારપંચ પછી તે ₹110,000થી વધુ થઈ શકે છે.
- CNG અને ઘરેલુ PNG સસ્તાં થશે
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB)એ 1 જાન્યુઆરી 2026થી ગેસ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. એના કારણે દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાં CNG અને ઘરેલુ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં પ્રતિ યુનિટ ₹2-3નો ઘટાડો થશે.
- નવા ITR સ્લેબથી પૈસાની બચત
નાણાકીય વર્ષ 2025-26 માટે ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ હવે ₹12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. નોકરિયાત લોકો માટે ₹75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે છૂટની મર્યાદા ₹12.75 લાખ થશે. અગાઉ આ મર્યાદા ₹7 લાખ હતી.
ટેક્સ એક્સપર્ટ CA આનંદ જૈન (ઈન્દોર)ના મતે હવે ₹12 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને ₹60,000 ટેક્સની બચત થશે, જ્યારે ₹10 લાખ આવક ધરાવતા લોકોના ₹40,000 બચશે.
આ ઉપરાંત ₹20થી ₹24 લાખ વાર્ષિક આવક માટે ન્યૂ રિજીમમાં 25%નો નવો ટેક્સ સ્લેબ ઉમેરાયો છે. અગાઉ ₹15 લાખથી વધુ આવક પર 30% ટેક્સ લાગતો હતો. આ બદલાવથી મધ્યમ અને ઉચ્ચ-મધ્યમવર્ગને રાહત મળશે.
- સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજમાં ઘટાડો
સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરોમાં 31 ડિસેમ્બર સુધીમાં ઘટાડાની જાહેરાત થઈ શકે છે. RBIએ રેપો રેટ 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 5.25% કર્યો છે, તેથી સરકારી બચત યોજનાઓના વ્યાજદર ઘટવાની શક્યતા છે.
- કારોની કિંમતો 2–3% સુધી વધી શકે
મારુતિ, ટાટા, MG અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓની કાર 1 જાન્યુઆરીથી મોંઘી થઈ શકે છે. MGએ પહેલેથી જ ભાવવધારવાની જાહેરાત કરી છે. ઇનપુટ કોસ્ટ વધવાને કારણે MG મોટરે કારની કિંમતોમાં 2% સુધી વધારો કર્યો છે, જેના કારણે MG હેક્ટર આશરે ₹38,000 મોંઘી થશે. MG ઉપરાંત લક્ઝરી સેગમેન્ટમાં મર્સિડીઝ અને BMW એ 2-3% ભાવવધારાની જાહેરાત કરી છે.
- 12 જાન્યુઆરીથી દિવસ દરમિયાન રેલવે રિઝર્વેશન માટે આધાર ફરજિયાત
12 જાન્યુઆરીથી એવા યુઝર્સ કે જેમનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નથી, તેઓ સવારે 8થી રાત્રે 12 વાગ્યા સુધી ટિકિટ બુક કરી શકશે નહીં. આ નિયમ માત્ર રિઝર્વ ટિકિટ બુકિંગ ખૂલવાના પ્રથમ દિવસ માટે જ છે.
ટ્રેન ઊપડવાની તારીખના 60 દિવસ પહેલાં રિઝર્વેશન ખૂલે છે. જે દિવસે આ બુકિંગ ખૂલે છે તેને જ પ્રથમ દિવસ માનવામાં આવે છે. આનો હેતુ ઓપનિંગ ડે પર વધુમાં વધુ મુસાફરોને ઓનલાઇન ટિકિટ બુક કરવાની તક આપવાનો અને નકલી એકાઉન્ટ્સ દ્વારા થતાં બુકિંગને રોકવાનો છે.
- નવો ઈન્કમટેક્સ એક્ટ લાગુ થશે
1 એપ્રિલ 2026થી નવો ઈન્કમટેક્સ એક્ટ 2025 લાગુ થશે, જે 1961ના જૂના કાયદાને બદલે આવશે. સરકારના જણાવ્યા અનુસાર આ કાયદો ટેક્સ સિસ્ટમને સરળ બનાવશે. એનાથી ટેક્સ રેટમાં કોઈ ફેરફાર નહીં થાય.
નવા ઈન્કમટેક્સ બિલની 4 મુખ્ય બાબતો…
ઈન્કમટેક્સ બિલમાં ‘એસેસમેન્ટ યર’ને બદલે હવે ‘ટેક્સ યર’ શબ્દનો ઉપયોગ થશે. બિલનાં પાનાં 823માંથી ઘટીને 622 કરવામાં આવ્યા છે, જોકે ચેપ્ટર્સની સંખ્યા 23 જ રાખવામાં આવી છે. સેક્શનની સંખ્યા 298માંથી વધારીને 536 કરવામાં આવી છે અને શિડ્યૂલ્સ પણ 14માંથી વધીને 16 થયાં છે.
ક્રિપ્ટો એસેટ્સને હવે અનડિસ્ક્લોઝ્ડ ઈન્કમ હેઠળ ગણવામાં આવશે, જેમ હાલ રોકડ, બુલિયન અને જ્વેલરીને સામેલ કરવામાં આવે છે. આ નિર્ણયનો હેતુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને વધુ પારદર્શક અને કાનૂની રીતે નિયંત્રિત કરવાનો છે.
બિલમાં ટેક્સપેયર્સ ચાર્ટરને સામેલ કરવામાં આવ્યું છે, જે કરદાતાઓના અધિકારોનું રક્ષણ કરશે અને કર વહીવટને વધુ પારદર્શક બનાવશે. આ ચાર્ટર કરદાતાઓનાં હિતોની સુરક્ષા સાથે સાથે ટેક્સ અધિકારીઓના સત્તાઓ અને જવાબદારીઓ સ્પષ્ટ કરશે.
પગાર સંબંધિત કપાત, જેમ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન, ગ્રેચ્યુઇટી અને લીવ એન્કેશમેન્ટ હવે એક જ જગ્યાએ સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. જૂના કાયદામાં રહેલી જટિલ સમજણ અને જોગવાઈઓ દૂર કરવામાં આવી છે, જેથી કરદાતાઓ માટે કાયદો સમજવો સરળ બને.
સામાન્ય માણસને શું ફાયદો થશે?
કાયદો સરળ ભાષામાં હોવાથી ITR સમજવા અને ફાઈલ કરવાનું સરળ બનશે.
ફેસલેસ એસેસમેન્ટ અને ડિજિટલ પ્રોસેસથી મુશ્કેલીઓ ઓછી થશે અને ભ્રષ્ટાચારની શક્યતા ઘટશે.
રિફંડ ઝડપથી મળશે અને કેટલીક કપાતો (જેમ કે પેન્શન, હાઉસ પ્રોપર્ટી) વધુ સ્પષ્ટ બનશે.
