‘ભારત એક ગાથા’ થીમ સાથે ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, Video
Views: 284
0 0

Read Time:13 Minute, 33 Second

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026નો ભવ્ય પ્રારંભ, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ વર્ષે ‘ભારત એક ગાથા’ થીમ પર આયોજિત આ શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરવામાં આવી છે.

CMએ ઉદ્ઘાટન કરી ફ્લાવર શોને નિહાળ્યો
CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ફ્લાવર શો 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ઉદ્ઘાટન બાદ તેઓ દ્વારા સમગ્ર ફ્લાવર શોને નિહાળવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની સાથે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, ભાજપના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિત ભાજપના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરદાર પટેલની પ્રતિકૃતિ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપિત કરાશે
ફ્લાવર શોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે, જેમાં એક મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતાનું પ્રતીકાત્મક ઝોન છે. જેમાં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ બનાવવામાં આવ્યું છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતી આ પ્રતિકૃતિ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

“સ્ત્રી સશક્તિકરણ” ની થીમ પર 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો
મેયર પ્રતિભા જૈન અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે. ‘ભારત એક ગાથા’ થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026થી 22 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે. મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોનું ઉદઘાટન કરી “સ્ત્રી સશક્તિકરણ” ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ અનાવરણ કરશે. આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દૃશ્યપટ રજૂ કરશે.

ઝોન વાઈસ ‘એકતામાં વિવિધતા’ની ભાવનાને નજીકથી અનુભવાશે
‘ભારત એક ગાથા’ થીમ હેઠળ આ ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઇને આધુનિક વિકાસ સુધીની સમગ્ર યાત્રાને એક જીવંત અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે. જેમાં ફૂલ, કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે. પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ-અલગ આયામોને ઉજાગર કરશે, જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વિતા અને આધુનિક વિકાસની ગાથા સમાયેલ હશે. મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમયયાત્રાનો અનુભવ કરશે અને ‘એકતામાં વિવિધતા’ની ભાવનાને નજીકથી અનુભવી શકશે.

https://www.instagram.com/reel/DS9UNxOk0j7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

પ્રવેશદ્વાર પર બે વિશાળ ફૂલોના સિંહો સ્વાગત કરશે
ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશદ્વારથી શરૂ થશે, જ્યાં બે વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે. પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જશે.

બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે
પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ફૂલકળાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ, હોળીના રંગો અને ઉલ્લાસ, ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જીવંત સ્વરૂપ આપવામાં આવશે. આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે.

‘શાશ્વત ભારત’ ઝોન ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે
ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો ‘શાશ્વત ભારત’ ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે. આ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્ર મન્થન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રીતે પુનઃરચિત કરવામાં આવશે, જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે ફરી જોડશે. આ સાથે ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્ય પરંપરાઓને સમર્પિત ઝોનમાં કુચિપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવા નૃત્ય સ્વરૂપોની સૌમ્યતા રજૂ થશે. આ ઝોનના કેન્દ્રમાં ભગવાન નટરાજનું ભવ્ય પ્રતિનિધિત્વ રહેશે, જે ભારતની કલાત્મક સમૃદ્ધિ, પરંપરાની સતતતા અને તાલની સર્વવ્યાપી ભાષાનું પ્રતીક બની રહેશે.

આધુનિક ભારતની પ્રગતિને દર્શાવતો ‘ભારતની સિદ્ધિઓ’ ઝોન
ફૂલોના માધ્યમથી દેશની હાઈ-સ્પીડ રેલ, નવનીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે. આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી નવીનતાના સંતુલિત વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરશે.

10524 સ્ક્વેર.મીટર એરિયામાં સ્પ્રીન્ક્લીંગ ઇરીગેશન નેટવર્ક સિસ્ટમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા ફલાવર શો-2026 અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડમાં ડીસ્પ્લે માટે લગાવવામાં આવેલા સિઝનલ પ્લાન્ટ્સની જાળવણી માટે દર વર્ષની જેમ ટ્રેક્ટર કે પાઈપ જેવી પરંપરાગત વોટરીંગ પદ્ધતિના બદલે 10524 સ્ક્વેર.મીટર એરિયામાં સ્પ્રીન્ક્લીંગ ઇરીગેશન નેટવર્ક સિસ્ટમ લગાવવામાં આવી છે. ફ્લાવર શોમાં બેંક ઓફ બરોડા, અરવિંદ સ્માર્ટ સ્પેસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઈઝ, ઔદ્યોગિક ગૃહો દ્વારા વિવિધ ઝોનને સ્પોન્સર કરવામાં આવ્યા છે.

જાણો મુલાકાતીઓ માટે કયા સમયે કેટલો ટિકિટનો દર?
ફ્લાવર શોની પ્રવેશ ફી સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે રૂ. 80 તથા શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે રૂ. 100 રહેશે. વધુમાં, તમામ પ્રકારના દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષ તથા નીચેની વયના બાળકો તથા અ.મ્યુ.કો. હસ્તકની શાળાના બાળકો માટે તમામ દિવસોએ નિ:શુલ્ક પ્રવેશ રહેશે. AMC સિવાયની સ્કૂલના બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે 9થી 1 સુધી રૂ. 10 રહેશે. મુલાકાતીઓ માટે સવારે 8થી 9 તેમજ રાત્રે 10 થી 11 સુધી પ્રાઈમ ટાઈમ સ્લોટમાં ટિકિટ રૂ. 500 રહેશે.

AMC દ્વારા ઓનલાઇન ટિકિટ માટે QR કોડ જાહેર કરાયો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના માટે QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. જે સ્કેન કરી વિગતો ભરીને ઓનલાઇન પેમેન્ટ બાદ ટિકિટ મેળવી શકાશે, જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકાશે.

ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમથી ટિકિટ ઉપલબ્ધ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફલાઈન અને ઓનલાઇન એમ બંને લોકો ટિકિટ મેળવી શકે તે મુજબ વ્યવસ્થા કરી છે. સાબરમતી રિવરફ્રન્ટ પરની સામેના ભાગે ખુલ્લા પ્લોટમાં ટિકિટ બારી બનાવવામાં આવેલી છે. જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ મેળવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. જે કોડ સ્કેન કરતાની સાથે પેજ ખુલશે. જેમાં ટિકિટના ભાવથી લઈને તમામ માહિતી આપવામાં આવી છે. ટિકિટ મેળવવા માટે નાગરિકોએ તેમનું નામ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. ત્યારબાદ ફ્લાવર શોમાં જવા માટે અને અટલ બ્રિજ તેમજ ફ્લાવર શો એમ બંને ઓપ્શન આપવામાં આવેલા છે. જેમાંથી લોકોને જ્યાં જવું હોય તે સિલેક્ટ કરી અને તેનું ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે.

ઓનલાઇન ટિકિટ ન દેખાય તો કેવી રીતે ડાઉનલોડ કરવી
પેમેન્ટ કર્યા બાદ તેની ટિકિટ ઑનલાઇન તેના મોબાઈલ નંબર પર મળી જશે. જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં એન્ટ્રી મળશે. ફ્લાવર શોની ટિકિટ નોન રિફંડેબલ રહેશે. એક વખત ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ તેને કેન્સલ કરી શકાશે નહીં. ઓનલાઇન ટિકિટ બુકિંગના પૈસા કપાયા બાદ જો કોઈપણ વ્યક્તિને ટિકિટ ન મળે તો તેના માટે ડાઉનલોડ ટિકિટ મેનૂમાં જવાનું રહેશે. ત્યાં પોતાનો મોબાઈલ નંબર નાખીને ટિકિટને ડાઉનલોડ કરી લેવાની રહેશે.

મુલાકાતીઓને પ્રવેશ માટે ભીડ ન થાય તે માટે 4 એન્ટ્રી ગેટ
ફ્લાવર શો જોવા આવનાર મુલાકાતીઓને પ્રવેશ મેળવવા માટે ભીડ ન થાય તેના માટે 4 એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે. જેમાં એલિસ બ્રિજ પાસે ફ્લાવર પાર્ક ગેટ નંબર 1થી પ્રવેશ મેળવી શકશે. મલ્ટી લેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવર બ્રિજ ઉપરથી અને સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતેથી પણ પ્રવેશ મેળવી શકશે. જે નાગરિકો રિવરફ્રન્ટ પૂર્વ છેડા તરફથી આવે છે તેઓ અટલ બ્રિજના પૂર્વ તરફના છેડા પર અટલ બ્રિજ પર થઈને પણ પ્રવેશ મેળવી શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!