ચાઈનીઝ દોરીના કારણે ઉત્તરાયણ દરમિયાન મનુષ્ય અને પક્ષીઓના જીવ જતા હોય છે. જેથી સરકારે પણ ચાઈનીઝ દોરીના વેચાણ પર અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ નજીક આવતા જ અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરની 1800 જેટલી શાળાઓ 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પતંગની મજા સાથે જીવ બચાવવાનો સંકલ્પ લીધો છે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને વન વિભાગ દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવે છે. ચાઈનીઝ માંઝા, તુક્કલ અને કાચની દોરીનો ઉપયોગ ન થાય તે માટે અમદાવાદ શહેરની 1800 શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યા છે. અત્યારે સેવન્થ ડે સ્કૂલમાં ધારાસભ્યની હાજરીમાં શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે. સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ ચાઈનીઝ દોરી નહીં વાપરવા અને અબોલ પશુઓ અને પક્ષીઓ ઇજાગ્રસ્ત ન થાય તે માટે ધ્યાન રાખવા પણ સમજાવવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓ અબોલ પશુઓ અને પક્ષીઓની સેવા કરે તેવો ભાવ ઊભો થાય તે માટે કરુણા અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
“હું પ્રતિજ્ઞા લવ છું કે…” આગામી મકરસંક્રાંતિના પર્વે હું સવારના વહેલા અને સાંજના મોડા સમયે ( જ્યારે પક્ષીઓ આકાશમાં વધુ હોય છે ત્યારે ) પતંગ નહિ ચગાવુ, જેથી નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય. હું ક્યારેય ઘાતક ચાઈનીઝ દોરી કે કાચવાળા માંજાનો ઉપયોગ નહીં કરું, જે પક્ષીઓ અને મનુષ્ય માટે જોખમી છે. હું ધાબા પર પતંગ ચગાવતી વખતે હંમેશા સાવચેત રહીશ અને ક્યારેય રસ્તા પર પતંગ પકડવા પાછળ દોડીશ નહીં. ઉત્સવ પૂરો થયા પછી હું ધાબા પર કે રસ્તા પર પડેલા દોરીના ગુચડાઓ અને કચરો સાફ કરીશ, જેથી કોઈ પશુ પક્ષી તથા પ્રાણી તેમાં ફસાઈ ન જાય. જો મને કોઈ કાયલ પક્ષી દેખાશે તો હું તરત જ વડીલોને જણાવીશ અથવા ભક્તિ હેલ્પલાઇનનો સંપર્ક કરીશ. ” મારો આનંદ, કોઈ તો જીવ ન લે – એ જ મારી સાચી ઉત્તરાયણ !” આ પ્રકારની પ્રતિજ્ઞા અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ લેવાના છે.
