ફિલ્મ જગતના સુપરસ્ટાર અને ગરીબોના બેલી ગણાતા સોનુ સૂદ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સોનુ સૂદને નિહાળવા માટે સમગ્ર પંથકમાંથી હજારોની મેદની ઉમટી પડી હતી.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ-થરાદ અને સુઈગામ પંથકમાં ગઇકાલે એક યાદગાર સાંજ જોવા મળી હતી. સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામે આવેલી સુપ્રસિદ્ધ ભારેશ્વર ગૌશાળાના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ફિલ્મ જગતના સુપરસ્ટાર અને ગરીબોના બેલી ગણાતા સોનુ સૂદ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સોનુ સૂદને નિહાળવા માટે સમગ્ર પંથકમાંથી હજારોની મેદની ઉમટી પડી હતી, જેમનું ગ્રામજનો અને ગૌશાળા પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય ડાયરામાં ગુજરાતના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી અને ગોપાલ સાધુએ પોતાની સુરાવલીઓથી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ગૌસેવાના આ પવિત્ર કાર્યમાં લોકોએ દિલ ખોલીને દાન આપ્યું હતું, જેમાં રાતભર લાખો રૂપિયાનો ઘોળ (દાન) કરવામાં આવ્યો હતો. સોનુ સૂદે પણ આ પ્રસંગે ગૌસેવા અને માનવતાના કાર્યની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહેતા, સરહદી વિસ્તારમાં સેવા અને પરોપકારનો એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયો હતો.