કેન્દ્ર સરકારે ‘વંદે માતરમ’ને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર હવે જ્યારે ‘વંદે માતરમ’ કોઈ સરકારી કાર્યક્રમ, સરકારી શાળાઓના કાર્યક્રમો અથવા અન્ય ઔપચારિક આયોજનોમાં વગાડવામાં આવશે, ત્યારે તેના સન્માનમાં દરેક વ્યક્તિનું ઊભા રહેવું ફરજિયાત રહેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમનું છ શ્લોકવાળું 3 મિનિટ અને 10 સેકન્ડનું સંસ્કરણ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ પહેલાં વગાડવામાં આવશે, જેથી સન્માન અને રાષ્ટ્રીય ભાવનાનો સ્પષ્ટ સંદેશ મળે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રએ 28 જાન્યુઆરીએ ગાઈડલાઈન જાહેર કરી હતી. 10 પાનાના આદેશમાં, સરકારે એમ પણ કહ્યું કે જો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એકસાથે ગાવામાં આવે કે વગાડવામાં આવે, તો વંદે માતરમ પહેલા વગાડવામાં આવશે, અને આ દરમિયાન ગાનારા કે સાંભળનારાઓએ સાવધાન મુદ્રામાં ઊભા રહેવું પડશે.
જોકે, સિનેમા હોલને નવા નિયમોથી દૂર રાખવામાં આવ્યા છે. એટલે કે સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતા પહેલા ‘વંદે માતરમ’ વગાડવું અને ઊભા રહેવું ફરજિયાત નહીં હોય. અધિકારીઓ અનુસાર નવા નિર્દેશો ‘વંદે માતરમ’ના સન્માનની સ્પષ્ટ દિશા પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યા છે.
તિરંગો ફરકાવતી વખતે, કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિના આગમન, રાષ્ટ્રજોગ તેમના ભાષણો અને સંબોધનો પહેલાં અને પછી, અને રાજ્યપાલોના આગમન અને ભાષણો પહેલાં અને પછી સહિત ઘણા સત્તાવાર પ્રસંગોએ વંદે માતરમ વગાડવામાં આવશે.
સિવિલિયન પુરસ્કાર સમારોહમાં, જેમ કે પદ્મ પુરસ્કાર સમારોહ અથવા આવા કોઈપણ કાર્યક્રમમાં જ્યાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત હોય, ત્યાં પણ વંદે માતરમ વગાડવામાં આવશે.