અમદાવાદ શહેરના નારોલ-વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી.
દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે. અમદાવાદ શહેરના નારોલ-વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેનું આપરેશન કરાયું છે. વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અદાવાદના નારોલ વિસ્તારમાં 14 વર્ષીય સગીર તેના માતા-પિતા સાથે રહે છે અને નારોલ-વટવા રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધો. 8માં અભ્યાસ કરે છે. 20 એપ્રિલના રોજ સવારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સ્કૂલે ગયો હતો. 11:30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ હતી તે દરમિયાનમાં તેના એક મિત્રને અન્ય સાથી વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. મિત્ર સાથે બોલાચાલીના ઝઘડામાં આ વિદ્યાર્થી પડ્યો હતો અને બંનેને છોડાવવા લાગ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ અચાનક જ તેની પાસે રહેલું પરિકર કાઢ્યું હતું અને તેની આંખમાં મારી દીધું હતું.
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇસનપુર પબ્લિક સ્કૂલમાં બનેલી ઘટનાને લઈને દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારી-1 અને ઇન્ચાર્જ આચાર્ય લક્ષ્મીબેન શર્મા પાસે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં ક્લાસરૂમમાં આ ઘટના બની નથી. બે વિદ્યાર્થીઓ વચ્ચે કેમ્પસની બહાર કોઈ ઝઘડો થયો હોઈ શકે. આંખમાં પરિકર જેવું સાધન મારવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મદદનીશ શાસન અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને પોલીસ તપાસમાં સમગ્ર હકીકત અને સત્ય બહાર આવશે.