સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે વિવાદ વધુ વકર્યો છે. ગઈકાલે 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અલ્પેશ ઠાકોર સામે આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે. કાજલની માતા શારદાબેન મહેરિયાએ કહ્યું કે, છોકરાનો પરિવાર ગેમ રમી રહ્યો છે.
મળતી વિગત અનુસાર, બંનેએ 6 મહિના પહેલા લગ્ન કર્યા હતા, તેનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. જેમાં મેરેજ સર્ટિફિકેટ મુજબ 10 ઓકટોબર, 2025ના કિંજલબેન મહેરિયા ઉર્ફે કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલે મહેરિયા પરિવાર અને સમાજના લોકો અલ્પેશ ઠાકોરના ઘરે કાજલને લેવા પહોંચ્યા હતાં. જ્યાં સામે પક્ષના પરિવારે મહેરિયા પરિવારને ઉશ્કેરીને કાઢી મૂક્યાં હોવાના આક્ષેપ કાજલ મહેરિયાની માતાએ કર્યા છે.
https://www.facebook.com/share/r/1AjvmToY9r
આજે 21 એપ્રિલના રોજ, લગ્નના વધતા વિવાદ વચ્ચે લોકગાયિકા કાજલ મહેરિયાએ વીડિયોના માધ્યમથી ખુલાસો કર્યો છે. કાજલના જણાવ્યા અનુસાર, તેણે અલ્પેશ સાથેના દોઢ વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે. આ સાથે જ તેણે ધમકી આપનારાઓ અને અભદ્ર ટિપ્પણી (કોમેન્ટ) કરનારાઓને ચેતવણી આપી છે કે, હવે તે કોઈ જવાબ નહીં આપે, પરંતુ ન્યાયતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરશે.
https://www.instagram.com/reel/DXYeSdck2ch/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
કાજલ મહેરિયાએ વીડિયોમાં જણાવેલી વિગત શબ્દશઃ
“જય હિન્દ, જય ભીમ, જય વિહત મા!
હું લોકગાયિકા કાજલ મહેરિયા. ઘણા સમયથી ચર્ચાનો જે મુદ્દો છે, જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારેય રજૂઆત નથી કરી.
પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે આ વીડિયોના માધ્યમથી જણાવું છું કે ગત 10-10-2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વસ્થ અવસ્થામાં, ભારતીય સંવિધાનના નિયમો અનુસાર અને ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે.
ના કોઈ ધાક-ધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા દોઢ વર્ષથી હતું. આ વાતની જાણ મેં મારા પરિવારને કરી હતી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી અને મહત્વપૂર્ણ નિર્ણય મેં મારી જાતે લીધો છે. એ બાબતે મારો પહેલો ગણો કે છેલ્લો ગણો, જવાબ આજ રહેશે અને આજ હશે.
તો ખાસ જણાવું છું કે અમે બંને રાજીખુશીથી રહીએ છીએ. હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મપ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માંગું છું. અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી.
આ નિર્ણય પર અડગ રહીશ એનું કારણ કે હું સનાતની છું. અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ-અલગ ધમકીઓ મારી નાખવાની, ઉપાડી લેવાની… આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જે કંઈ પણ બોલી અને ધમકીઓ આપી છે, એ બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વીડિયો દ્વારા જણાવું છું.
આ જ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી. તો પ્લીઝ, આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જય હિન્દ, જય ભીમ, જય વિહત મા!”