હવે ટ્રાફિક સિગ્નલ પર નહીં જોવી પડે ખોટી રાહ, AI સંભાળશે શહેરના જંકશનોનો મોરચો
ખાલી રસ્તા પર રેડ સિગ્નલમાં ઊભા રહેવું નહીં પડે
ઓછા વાહનો હશે તો આપોઆપ ટાઇમર ઘટી જશે
કોમનવેલ્થ પહેલાં અમદાવાદના 131 ટ્રાફિક સિગ્નલ AIથી સજ્જ થશે
અમદાવાદમાં AI સંચાલિત ટ્રાફિક સિગ્નલો ઊભા કરાયા
‘તમામ સિગ્નલો AI બેઇઝડ કરવાનું પ્લાનિંગ ’
અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને શહેરના સિગ્નલને AI બેઝ્ડ બનાવી રહી છે. જો વાહન ન હોય તો તમારે કાઉન્ટ ડાઉન ચાલે ત્યાં સુધી સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે તે આપોઆપ ખૂલી જશે.
અમદાવાદના વાહનચાલકો માટે ટ્રાફિકના જાળમાંથી મુક્તિ મેળવવાના મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના વ્યસ્ત રસ્તાઓ પર હવે ટ્રાફિકનું સંચાલન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા ‘એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ’ (ATCS) અમલમાં મૂકવામાં આવી છે.
હાલમાં શહેરના સૌથી વધુ વ્યસ્ત એવા 10 જંકશનો પર આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો આગામી સમયમાં સમગ્ર અમદાવાદ અને રાજ્યના અન્ય મેટ્રો શહેરોમાં પણ આ AI ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
તમારી સાથે ઘણીવાર એવું બન્યું હશે કે ચાર રસ્તાએ કોઇ વાહન ન હોય તેમ છતાં તમારે રેડ સિગ્નલ પર ઊભા રહેવું પડે છે અથવા જે બાજુ સિગ્નલ ખૂલ્યું હોય ત્યાં એકપણ વાહન ન હોય તો પણ જ્યાં સુધી કાઉન્ટ ડાઉન પૂરા ન થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે છે. આવું સમાન્ય દિવસોમાં થાય તો ઠીક પરંતુ ધોમધખતા તાપમાં એક સેકન્ડ પણ ઊભું રહેવું મુશ્કેલ પડી જાય છે. જો કે હવે આ વાત ભૂતકાળ બનવા જઇ રહી છે. કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને શહેરના સિગ્નલને AI બેઝ્ડ બનાવી રહી છે. જો વાહન ન હોય તો તમારે કાઉન્ટ ડાઉન ચાલે ત્યાં સુધી સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે તે આપોઆપ ખૂલી જશે.
પ્રાયોગિક ધોરણે શહેર ટ્રાફિક પોલીસે સેટેલાઇટ વિસ્તારના સિગ્નલો પર AI સંચાલિત ટ્રાફિક સિગ્નલો ઊભા કર્યા છે. જેમાં ટાઇમિંગ સેટઅપમાં વાહન પ્રમાણે ટાઇમ બદલાઇ જાય છે. જેમ કે શિવરંજની ચાર રસ્તા પર સામાન્ય રીતે 45 સેકન્ડનું ટાઇમિંગ સેટ કરવામાં આવ્યું છે પણ વાહનો ઓછાં હોય તો આપોઆપ ટાઇમર સમય ચેન્જ કરીને વધ-ઘટ કરી દે છે. જેના કારણે બીજી 3 જગ્યાએ ઊભેલાં વાહનચાલકોને તડકામાં તપવામાંથી મુક્તિ મળે છે.
આ AI બેઇઝ્ડ સિગ્નલ વિશે વધુ જણાવતા અમદાવાદ શહેર ટ્રાફિક બ્રાંચના નાયબ પોલીસ કમિશનર (વહીવટ) ચિરાગ પટેલ કહે છે કે, ટેકનોલોજીની સાથે સાથે અપડેટ થવું ખૂબ જરૂરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ એ દિશામાં વિચારીને આગળ વધી રહી છે. હાલ બે કોરિડોર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કોરિડોર-2 નહેરુનગરથી લઇને ઇસ્કોન ક્રોસ રોડ સુધી છે. આમાં નહેરુનગર, શિવરંજની, જોધપુર, સ્ટાર બજાર, રામદેવનગર અને ઇસ્કોન સર્કલનો સમાવેશ કરાયો છે. આ જંકશન પર AI બેઇઝ્ડ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા સિગ્નલ થ્રો કરીને વાહનોનું પ્રમાણ માપે છે અને તે મુજબ સિગ્નલના ટાઇમિંગમાં સતત ચેન્જ આવતો રહે છે. જ્યાં વ્હિકલ વધારે છે ત્યાં સિગ્નલ વધારે સમય માટે ખૂલ્લું રહે છે અને જ્યાં વ્હિકલ ઓછા ત્યાં સમય ઘટી જશે અને ટ્રાફિક સિગ્નલ ઓછું ખુલ્લું રહેશે.
હાલમાં શહેરના 131 જંક્શન્સ પર કેમેરા ઇન્સ્ટોલેશન થયું છે. ચિરાગ પટેલે કહે છે કે, કેટલીક જગ્યાએ બ્રિજના કામ અને AMCના મેન્ટેનન્સના કામ ચાલુ છે. જેના કારણે 131 જંક્શનોમાંથી કેટલાક જંક્શનો પરથી કેમેરા ટેમ્પરરી ખસેડવામાં આવેલા છે. ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લઇને વધારાના જંક્શનો કાર્યરત કરવાની રજૂઆત પણ અમારા તરફથી મોકલાય છે.
તેઓ વધુમાં કહે છે કે AI બેઇઝ્ડ સિગ્નલ કરવાનું કારણ એ છે કે મોટાભાગના સિગ્નલ પર ટાઇમિંગ ફિક્સ છે. વાહનનો ફલો હોય કે ના હોય, જે સેકન્ડ કે ટાઇમ ફિક્સ થયેલો છે ત્યાં સુધી વાહન ચાલકોએ ઊભા રહેવું જ પડે. તેમનો સમય બગડે અને અકળામણ અનુભવે છે.
તેઓ ઉદાહરણ આપી સમજાવે છે કે જો 30 સેકન્ડનો મેક્સિમમ ટાઇમ એલાવ કર્યો હોય પણ જો ત્યાં વાહન ખૂબ ઓછાં હોય અને 12 સેકન્ડ પછી કોઇ વાહન ત્યાં ના રોકાવાનું હોય તો કોઇ વાહનચાલકની 18 સેકન્ડ બગાડવાની જરૂર નથી. AI બેઇઝડ કેમેરા બસ આ જ કામ કરશે. દરેક સિગ્નલને દરેક વખતે વ્હિકલ ડેન્સિટીના આધારે ટાઇમ ચેન્જ કરશે અને લોકોનો સમય બચી શકશે.