બનાસકાંઠાના સુઈગામમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે. આ ઉપરાંત લાખણી વિસ્તારમાં પણ મોડી રાત્રે વરસાદ થતાં બજારમાં પાણી ભરાઈ ગયા હતાં. ઢીંચણ સમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બનાસ નદીમાં પાણીની આવક થતાં કલેક્ટર એક્શનમાં આવી ગયા હતાં. નદીમાં ખનન કરતાં વાહનો હટાવવા આદેશ કર્યો હતો. કલેક્ટરે નદીના પટમા અવરજવર નહીં કરવા સૂચના આપી હતી.
બનાસકાંઠાના થરાદમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. થરાદની મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. ધાનેરા ત્રણ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દાંતામાં ભારે વરસાદને કારણે મંડારા વાસમાં સ્વ ખર્ચે બનાવેલો પુલ ધોવાઈ ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.