19 ઓગસ્ટે અમદાવાના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10નાં વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10નાં એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી, ત્યારે આ ઘટનાના 15 દિવસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના પ્રથમવાર CCTV સામે આવ્યા છે.
વિડીયો
https://www.facebook.com/share/v/1C5JWeFkhh
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે બપોરે 12:53 કલાકે પીળા કલરની ટીશર્ટ અને વ્હાઈટ પેન્ટમાં નયન સ્કૂલના ગેટમાં અંદર આવે છે. નયન સાથે સ્કૂલના ત્રણથી ચાર છોકરાઓ પણ જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન નયનને પેટના ભાગે જ્યાં બોક્સ કટર વાગ્યું હતું ત્યાંથી લોહી નીકળી રહ્યું છે અને તે ભાગને નયને હાથથી દબાવી રાખ્યો હતો. ઇજાગ્રસ્ત હોવાના કારણે નયન સરખું ચાલી પણ શકતો નહોત. આ સમયે ત્યાં વિદ્યાર્થીઓની ખૂબ અવરજવર થઈ રહી હતી. આ સમયે CCTVમાં બેથી ત્રણ વિદ્યાર્થિનીઓ એક વ્યક્તિને આ અંગે કંઈક કહેતી હોય એવું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ એ વ્યક્તિ નયન તરફ દોડીને જતો જોવા મળે છે અને ત્રણેય વિદ્યાર્થિનીઓમાંથી એક બહારની તરફ દોડી જાય છે. જ્યારે બીજી વિદ્યાર્થિની સ્કૂલમાં અંદરની તરફ દોડે છે અને ત્રીજી વિદ્યાર્થિની ત્યાં ઉભી રહે છે.
આ દરમિયાન ત્યાં હાજર વિદ્યાર્થીઓને ખબર પડતાં દોડધામ મચી જાય છે અને વિદ્યાર્થીઓ નયન તરફ દોડી જાય છે, ત્યારે ત્યાં સિક્યોરિટી ગાર્ડ આવી પહોંચે છે અને લાકડી બતાવીને વિદ્યાર્થીઓને દૂર ભગાડવાનો પ્રયાસ કરે છે. CCTVમાં નયન જ્યાં ફસડાઈ પડ્યો હતો એ જગ્યા દેખાતી નથી પણ વિદ્યાર્થીઓ તેને ઘેરી વળે છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ સમયે સ્કૂલ સ્ટાફના કેટલાક માણસો પણ CCTVમાં દેખાય છે. જોતજોતામાં આ ઘટના અંગે જાણ થતાં વિદ્યાર્થીઓ દોડધામ મચે છે અને ડર ફેલાય છે. જોકે સ્કૂલનો સ્ટાફ ત્યાં હાજર હોવા છતાં તેઓ નયનને હોસ્પિટલ ખસેડવાની તસ્દી લેતો નથી.
આ કિંમતી સમયમાં પણ નયનની મદદે કોઈ આવતું નથી અને માત્રને માત્ર વિદ્યાર્થીઓને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. જોક, છેક 7 મિનિટ બાદ એટલે કે 1 વાગ્યે બે મહિલાઓ દોડતી દોડતી ગેટમાં પ્રવેશ છે અને નયન પાસે પહોંચે છે. એ વખતે હાજર વિદ્યાર્થીઓ દ્વારા નયનને ઊંચકીને ગેટ બહાર લઈ જઈ એક રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આ મહિલાઓ નયનના પરિવારજન હોવાની વાત સામે આવી છે. આમ વિદ્યાર્થીના પરિવારજનો છેક ઘરેથી સ્કૂલ સુધી પહોંચીને દીકરાને હોસ્પિટલ ખસેડે છે, પરંતુ સ્કૂલ તરફથી બેદરકારી દાખવીને નયનની કોઈ મદદ કરવામાં આવી નહોતી એ સ્પષ્ટ CCTVમાં જોવા મળી રહ્યું છે.
