સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે
સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે, જે પૈકી બે જજ ગુજરાત હાઇકોર્ટના પણ છે. એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે. એમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
આ મામલે આજે (28 ઓગસ્ટ) ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે અને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ સહિત કમિટીના અન્ય સભ્ય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને કોલેજિયમ સમક્ષ જસ્ટિસ ભટ્ટની બદલી પર રોક લગાવવા માટે રજૂઆત કરશે. CJIએ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની કમિટીને મળવા માટે બપોરે 01.50નો સમય ફાળવ્યો છે.
હાઇકોર્ટની રજિસ્ટ્રીમાંથી ફાઇલો ગુમ થવાના કેસમાં જસ્ટિસ સંદીપ ભટ્ટે રજિસ્ટ્રી સામે નારાજગી વ્યકત કરી હતી. તેમણે હુકમમાં ઠેરવ્યું હતું કે બે વર્ષ પહેલાં રજિસ્ટ્રીમાં સીસીટીવી નાખવાનો હુકમ કર્યો હોવા છતાં બે વર્ષે પણ સીસીટીવી નાખવામાં આવ્યા નથી. જો સીસીટીવી નાખ્યા હોય તો ફાઇલો ગુમ થવાના કેસમાં ઝડપથી ઉકેલ મળી શકયો હોત.
