શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા 2025માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ મા અંબેના દર્શેને ઉમટ્યું છે. પદયાત્રીઓ માટે તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેનો લાભ માઇભક્તો લઈ રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળામાં ચોજા દિવસે સૌપ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો. જેમાં એકસાથે 400 ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દૃશ્યો જોવા મળ્યા હતા. એકસાથે 400 ડ્રોન દ્વારા આકાશમાં અદ્ભુત દૃશ્યો સર્જીને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આકાશમાં હજારો રંગીન લાઈટોથી સજ્જ 400 ડ્રોન ફ્લાય કરાયા હતા. આ ડ્રોન શો અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મનો અનોખો સમન્વય દર્શાવતો હતો. આકાશમાં તરતા 400 રંગબેરંગી ડ્રોનથી માતાજીની આકૃતિ, ત્રિશૂળ, ઘંટ અને મંદિર જેવી રચનાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મનમોહક આકાશી દૃશ્યોએ દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જગાવ્યો હતો.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ અનોખા ડ્રોન શોએ આધુનિક ટેકનોલોજી અને આધ્યાત્મિકતાના સંગમનો પરિચય કરાવ્યો હતો, અને ભક્તોને એક અલૌકિક અનુભવ કરાવ્યો હતો.
ભાદરવી પૂનમના મહાકુંભને કારણે શક્તિપીઠ અંબાજી ધામ રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. મંદિર અને એની આસપાસના માર્ગોને રંગબેરંગી લાઇટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યાં છે. એના કારણે રાત્રિના સમયે અદભુત અને અલૌકિક દૃશ્યો સર્જાયાં છે. ડ્રોન વીડિયોમાં મા અંબાનું ધામ અત્યંત ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે, જે જોઈને લાખો ભક્તો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, ચોથા દિવસે અંદાજીત 22 લાખ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું હતું. આ વર્ષે પ્રથમવાર મા અંબાના ભાદરવી પુનમના મેળાની અલૌકીક અને દિવ્ય થીમ પર 400થી વધુ ડ્રોનનો ઉપયોગ કરી એક અદભૂત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો ભક્તોએ આ શો નીહાળી દિવ્યતાનો અનુભવ કર્યો હતો.
