મહેસાણામાં અવસર પાર્ટી પ્લોટથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. રેલીના આયોજકો દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં કેટલાક મહત્વના ફેરફારો કરવા માટે સરકાર સમક્ષ માગણીઓ મૂકવામાં આવી છે. આયોજકોએ જણાવ્યું હતું કે, આ રેલીનો ઉદ્દેશ્ય સામાજિક મૂલ્યોનું રક્ષણ કરવાનો અને યુવાનોને જવાબદાર બનાવવાનો છે. સરકાર આ માગણીઓ પર ગંભીરતાથી વિચારણા કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
પાટીદાર આગેવાન સતીષ પટેલે જણાવ્યું કે અત્યારે દરેક સમાજમાં માતા-પિતાની એક પીડા છે કે છોકરીઓને 20 વર્ષની મોટી કરીએ અને ભાગીને પ્રેમલગ્ન કરીને પોલીસ સ્ટેશનમાં એમ કહે છે કે હું માતા-પિતાને ઓળખતી નથી. પ્રેમલગ્નના કાયદાના ફેરફારમાં અમે જનક્રાંતિ મહારેલીનું આયોજન કર્યું છે. જેમાં તમામ સમાજના લોકો એકઠા થયા છે જેમાં સરકાર સમક્ષ અમારી મુખ્ય માંગણી એ છે કે 30 વર્ષ સુધી માતા-પિતાની સહી ફરજિયાત કરો અને સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ કરો. છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની કોર્ટમાં જ પ્રેમલગ્ન થવા જોઇએ અને જે છોકરી પ્રેમલગ્ન કરે તેને માતા-પિતાની તમામ મિલકતમાંથી બેદખલ કરવામાં આવે.
પ્રેમલગ્ન નોંધણીના કાયદાઓમાં ફેરફારની માગ સાથે મહેસાણામાં આજે (30 ઓગસ્ટે) એક જન ક્રાંતિ મહારેલી નીકળી હતી. આ રેલીમાં મહેસાણા જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોના અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા. આ દરમિયાન પાટીદાર આગેવાન સતીષ પટેલે કહ્યું હતું કે, પ્રેમલગ્ન કરનારી દીકરીને મિલકતમાંથી બેદખલ કરો.
આ અંગે પાટીદાર નેતા વરુણ પટેલે જણાવ્યું કે ભાગેડું લગ્નપ્રથા ગુજરાતનો સળગતો પ્રશ્ન છે, આ પ્રશ્નના અનુસંધાને મહેસાણા પાટીદાર સમાજ તથા પાસના આગેવાનો સહિત અન્ય સમાજ સાથે મળી સરકાર સુધી ભાગેડું લગ્નપ્રથાની વિરુદ્ધમાં કાયદામાં સંશોધન થાય તે માંગણીને લઇને આજની રેલીનું આયોજન છે.
આ રેલીને મહેસાણા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખોએ સમર્થન આપ્યું છે. આ ઉપરાંત, વિવિધ સમાજોએ પણ આ રેલીને ટેકો જાહેર કર્યો છે.
