ફિલ્મજગતનો સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડ આજે 11 ઓક્ટોબર, 2025ના રોજ અમદાવાદના એક્કા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સટેડિયામાં યોજાશે. આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નેતાઓ અને પ્રખ્યાત અભિનેતાઓની હાજરી રહેશે. શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની જોડી આ રાતને યાદગાર બનાવશે, જે 17 વર્ષ પછી ફરીથી એવોર્ડ હોસ્ટ કરવા જઈ રહી છે.
હાલમાં અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સની આવક શરૂ થઈ ગઈ છે. અનુપમ ખેર, કાજોલ, બોની કપૂર, મુનમુન દત્તા (બબીતા), મોહનીશ બહલ, સિંગર ધ્વનિ ભાનુશાલી, સન્ની સિંહ, અવનિ મોદી, આશ્રમ સિરીઝની એક્ટ્રેસ અદિતિ સહિતનાં અનેક સ્ટાર્સ અમદાવાદ આવી પહોંચ્યાં છે.
ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેત્રી ક્લાઉડિયા સીએસ્લા ચાહકોના ઉત્સાહનું કેન્દ્ર બન્યા હતા. ક્લાઉડિયા પોતાના બોયફ્રેન્ડ અર્જુન ગોયલ સાથે સ્પોટ થઈ હતી, જ્યારે સિદ્ધાંતને ચાહકોએ ઓટોગ્રાફ અને સેલ્ફી માટે ઘેરી લીધો હતો. બીજી તરફ અભિષેક બચ્ચન અને અક્ષય કુમારનું ITC નર્મદામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં બંને કલાકારોના આતિથ્ય માટે આટા લાડુ, કોકોનટ લાડુ, મોહનથાળ, મિલ્ક ચોકલેટ ફજ અને પિનટ બટર બ્રાઉની રાખવામાં આવ્યાં હતાં. આજે મોડીરાતે શાહરુખ ખાન સહિતની સેલેબ્રિટીઓનો જમાવડો એરપોર્ટ પર જોવા મળશે, એ બાદ તેઓ સીધા જ હોટલ ખાતે પહોંચશે.
