સ્કૂલની પ્રિન્સીપાલ જ ICSE બોર્ડના ચેરમેન હોવાથી શિક્ષણને લાંછન લગાડે એવા મનસ્વિ નિર્ણય લીધા છે. આ સ્કૂલ પાસે હાલના બાંધકામનું બી.યુ.પરમીશન નથી. ધો.૧૧ અને ૧૨ની માન્યતા મેળવવા બોર્ડ સમક્ષ ખોટુ એફિડેવીટ રજૂ કર્યુ હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. એ સિવાય કેમ્પસમાં MBA,બેચરલ ઓફ સાયન્સ અને આર્ટ્સની કોલેજ માટે બોર્ડનું NOC રજૂ કર્યુ નથી. સ્કૂલમાં વર્ગ વધારા આડેધડ કરવામાં આવ્યાં છે.
અત્યાર સુધીમાં ICSE બોર્ડ હોવાથી ડીઈઓ તપાસમાં જઈ શકતાં નહોતા. જોકે તપાસ થતાં સ્કુલમાં મંજુરી વિના જ વર્ગો શરૂ કર્યાનું બહાર આવ્યું છે. એ સિવાય લીઝધારક અને સંચાલક સંસ્થા અલગ-અલગ હોવાથી ભાડાકરારની શરતનો પણ ભંગ કર્યો છે. એ સિવાય AMCએ સ્કુલને માત્ર રૂ.૧૦ હજારના ભાડાપટ્ટે જમીન આપી છે, છતાં FRC સમક્ષ સ્કૂલે ફી મંજુર કરાવવા રૂ.૧.૫૯ કરોડ ભાડું રજૂ કર્યુ હોવાનું સામે આવ્યું છે. શહેરના મણિનગર વિસ્તારની ૧૦ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને ભણાવતી સેવન્થ ડે સ્કૂલ જ ગેરકાયદે ધમધમતી હોવાનો ભાંડો ફૂટયો છે. હાલમાં જે સ્થળ પર સ્કૂલ કાર્યરત છે ત્યાંની કોઈ મંજૂરી જ ન હોવાનું સામે આવ્યું છે.
જ્યાં વિદ્યાર્થી હત્યાની ઘટના બની હતી એ સ્કૂલ કેમ્પસના વર્ગોની મંજૂરીના આધારો શાળાએ રજૂ કર્યા ન હોવાથી શાળા માન્યતા વિના ચાલતી હોવાનો ડીઈઓએ શિક્ષણ વિભાગમાં રિપોર્ટ સુપ્રત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ ફેરફાર, ટ્રસ્ટ ફેરફાર કે વધારાના વર્ગની મંજૂરી લેવાની સ્કૂલ દ્વારા તસ્દી લેવાઈ નથી. જેથી આ સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવે અથવા અન્ય ટ્રસ્ટને સોંપાય એવો સ્પષ્ટ અભિપ્રાય ડીઈઓએ રજૂ કર્યો હોવાનુ શિક્ષણ વિભાગના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. ઘટના બાદ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સ્કૂલમાં તપાસ શરૂ કરાઈ હતી. બોર્ડ અને નિયામક કચેરીની સુચના અન્વયે ડીઈઓ રોહિત ચૌધરીએ બે તપાસ કમિટી બનાવી હતી.