મ્યુનિસિપલ કમિશનરે યોજેલી રીવ્યુ બેઠકમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા શહેરના મુખ્ય કેટલાક રોડ પરથી દબાણો દૂર કરવા સંદર્ભે રોડ પરથી કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા, જેને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પ્રેઝન્ટેશન દરમિયાન પૂછ્યું હતું. દબાણો દૂર કરવામાં આવ્યા હોવા અંગેનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું, પરંતુ કયા રોડ પરથી કેટલા દબાણો દૂર કરાયા, કેટલો માલ સામાન જપ્ત કરાયો તે અંગેની કોઈ માહિતી નહોતી. તેમની પાસે કોઈ માહિતી ન હોવાને લઈને મ્યુનિસિપલ કમિશનર ગુસ્સે ભરાયા હતા અને ખખડાવતા કહ્યું હતું કે, તમને જ તમારા વિભાગમાં શું કામગીરી થાય છે તેની ખબર હોતી નથી. તમારી પાસે કોઈ ગાઈડન્સ જ નથી કે, કેવી રીતે કામગીરી કરવી અને કરાવવી તેની માહિતી નથી. શું તમે મારા માટે અહીંયા કામ કરો છો?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાખો રૂપિયાનો સરકારી પગાર લેતા એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અધિકારીઓ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જાહેરમાં ખખડાવતા કહ્યું હતું કે, તમને જ તમારા વિભાગમાં શું કામગીરી કરવાની હોય છે, તેની ખબર નથી તો કામ કેવી રીતે કરશો? તમારી પાસે વિભાગની કોઈ માહિતી હોતી નથી. શું તમે મારા માટે કામ કરો છો? IAS કક્ષાના અધિકારીને આ રીતે જાહેરમાં ખખડાવવામાં આવતા અન્ય અધિકારીઓમાં પણ સોંપો પડી ગયો હતો. પ્રેઝન્ટેશન દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પોતાની વાત રજૂ કરી શક્યા નહોતા, જેથી કમિશનર ખૂબ નારાજ થયા હતા.
વધુમાં પ્રેઝન્ટેશન દરમિયાન કી પર્ફોમન્સ ઇન્ડિકેટર પ્રેઝન્ટેશન એટલે કે, તેમના વિભાગના કયા-કયા કામો કેવી રીતે ચાલે છે? તે અંગે પણ પૂછ્યું હતું. જો કે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ બાબતે પણ જે પ્રેઝન્ટેશનમાં બતાવ્યું છે એ જ તેઓ રિવ્યુ લે છે, એવું કહેતા કમિશનર ફરી નારાજ થયા હતા અને તેમને વિભાગની કામગીરી યોગ્ય રીતે કરતા ન હોવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. લાઈટ વિભાગના અધિકારીઓની કામગીરીથી પણ નારાજગી વ્યક્ત કરી અને તમારી મધ્યસ્થ કચેરીમાં કામગીરી શું છે એ તમને ખબર હોવી જોઈએ એવું પણ કહ્યું હતું.
શહેરમાં ફરી એકવાર રખડતા ઢોર જોવા મળતા છેલ્લી બે રીવ્યુ બેઠકથી મ્યુનિસિપલ કમિશનર સીએનસીડી વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરે છે, ત્યારે વધુ એક વખત સીએનસીડી વિભાગના એક અધિકારી સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તમારું કામ ઓફિસમાં બેસવાનું નથી, ફિલ્ડમાં પણ શું ચાલે છે તે જોવાનું કામ છે. જેથી હવે દરરોજ તમે ફિલ્ડમાં ક્યાં જાવ છો અને શું કામગીરી કરો છો? કેટલા ઢોર પકડાયા છે? તેનો રિપોર્ટ મને આપજો, એવું પણ કહ્યું હતું.