અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંકલનના પ્રશ્નોને પ્રાથમિકતા આપી, તેનું ઝડપથી અને હકારાત્મક નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોના વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓને લગતા પ્રશ્નોના નિકાલ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની કામગીરી, આધાર કાર્ડની કિટ વધારવા સંબંધિત પ્રશ્નો, વીજળી અને પાણીની સમસ્યાઓ, દૂષિત પાણીના પ્રશ્નો તેમજ રિ-સરવેના પ્રશ્નો સહિતની માળખાકીય સુવિધાઓ અંગે હકારાત્મક નિવારણ લાવવામાં આવ્યું હતું.
આ જ પ્રકારે શહેરી વિસ્તારમાં દબાણના પ્રશ્નો, સરવે અને પ્રોપર્ટી કાર્ડના પ્રશ્નો, હાઉસિંગ બોર્ડ સંબંધિત મુદ્દાઓ, રેલવેને લગતા પ્રશ્નો તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી તેના ત્વરિત નિકાલ માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને પરસ્પર સહયોગથી જાહેર પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિય રહેવા અનુરોધ કર્યો હતો.
આજની આ સંકલન બેઠકમાં ધારાસભ્યશ્રીઓ સર્વેશ્રી હાર્દિક પટેલ, કાળુભાઈ ડાભી, કનુભાઈ પટેલ, કિરીટસિંહ ડાભી, અમિતભાઈ શાહ, કંચનબેન રાદડિયા, હર્ષદ પટેલ, કૌશિક જૈન અને જીતેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવિન સાગર તેમજ સંકલનના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
