વર્લ્ડ ક્વૉલિટી ડેના અવસર પર ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી ખાતે બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ગુણવત્તા જાગૃતિ માટે એક માહિતીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિવિધ શાળાઓમાંથી અંદાજિત 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો.
આ કાર્યક્રમમ BI અમદાવાદના વડા શ્રી સુમિત સેંગરે બાળકોને ગુણવત્તાની મૂળભૂત સમજ આપી અને રોજિંદા જીવનમાં ગુણવત્તાયુક્ત વસ્તુઓ કેમ જરૂરી છે તેની સુંદર અને સરળ ભાષામાં માહિતી પૂરી પાડી. બાળકોને ISI માર્ક, હોલમાર્ક અને અન્ય રાષ્ટ્રીય સ્તરના સ્ટાન્ડર્ડ્સ કેવી રીતે બનાવવામાં આવે છે, તેનુ મહત્વ શું છે અને તે આપણા દૈનિક વપરાશમાં કઈ રીતે સુરક્ષા, વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે તેની સરળ ભાષામાં સમજણ અપાઈ. તેમજ, ઉદ્યોગો તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગુણવત્તા ધોરણોનું પાલન દેશની અર્થવ્યવસ્થા અને વૈશ્વિક પ્રતિષ્ઠા માટે કેવું મહત્વ ધરાવે છે તે અંગે પણ ઉદાહરણો દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા.
આ અવસરે BIS દ્વારા વિદ્યાર્થીઓને એક વિશેષ ગુણવત્તા શપથ લેવડાવવામાં આવી, જેમાં તેઓએ પોતાના જીવનમાં ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાના તથા પરિવાર, મિત્રો અને આડોશ-પાડોશમાં ગુણવત્તા વિશે જાગૃતિ ફેલાવવાના સંકલ્પ વ્યક્ત કર્યો.
સાયન્સ સિટી અને BISનો આ સંયુક્ત પ્રયાસ યુવા પેઢીને ગુણવત્તા પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવવાનો હેતુ ધરાવે છે. બાળકોમાં બાળવયથી ગુણવત્તાનું મહત્વ સમજાવવાથી તેઓ જવાબદાર, જાગૃત અને પ્રગતિશીલ નાગરિક તરીકે વિકસે છે.
આ કાર્યક્રમ બાદ બાળકોને સાયન્સ સિટીના પરિસરમાં આવેલ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, એક્વેટિક ગેલેરી તથા રોબોટિક્સ ગેલેરીની મુલાકાતે પણ લઈ જવામાં આવ્યા જ્યાં તેમાં સાયન્સ વિશેની પોતાની સમજણને વધુ વિસ્તૃત કરવાની તક મળી.
ઉલ્લેખનીય છે કે, BIS ભારત સરકારનું રાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ નિર્માણ અને પ્રમાણન સંસ્થાન છે, જે દેશભરમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને સેવાઓ માટે ધોરણો બનાવે છે, ISI માર્ક દ્વારા પ્રમાણન આપે છે, તથા ગ્રાહકો અને ઉદ્યોગોને ગુણવત્તા જાગૃતિ માટે માર્ગદર્શન આપે છે. સુરક્ષા, વિશ્વસનીયતા અને ગુણવત્તાને પ્રોત્સાહન આપવું BISની મુખ્ય જવાબદારી છે.
