વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (15 નવેમ્બર) ગુજરાત પહોંચ્યા હતા. તેમણે સુરતમાં બંધાઈ રહેલા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લીધી હતી અને દેવમોગરા મંદિરમાં પાંડોરી માતાને પ્રાર્થના કરી હતી.
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી સમુદાયો દ્વારા પાંડોરી માતાને કુળદેવી માનવામાં આવે છે. વડાપ્રધાને ડેડિયાપાડામાં 4 કિલોમીટરનો રોડ શો પણ કર્યો હતો, જ્યાં રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા હતા.
સભાસ્થળે પહોચીને પીએમ મોદીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસના મુખ્ય કાર્યક્રમમાં 9700 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ સભાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે દેશના સવતંત્રતા સંગ્રામમાં આદિવાસી નેતાઓના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે દેશની રક્ષા માટે આદિવાસી લોકો હંમેશા આગળ રહ્યા છે. આ સાથે પીએમ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીકાલ દરમિયાન અને કેન્દ્રમાં વડાપ્રધાનપદ પર રહેતા છેલ્લા 11 વર્ષમાં આદિવાસી કલ્યાણ માટે જે યોજનાઓ લાગુ કરી અને જે કામો કર્યા તેનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસની સરકારોએ હંમેશા આદિવાસીનો અવગણના કરી છે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જનજાતિય ગૌરવ દિવસનો અવસર આપણને આપણા લાખો આદિવાસી ભાઈ-બહેનો સાથે થયેલા અન્યાયને યાદ કરવાનો પણ અવસર આપે છે. છ દાયકા સુધી દેશ પર શાસન કરનાર કોંગ્રેસ પાર્ટીએ આદિવાસીઓને તેમના ભાગ્ય પર છોડી દીધા. આદિવાસી વિસ્તારોમાં કુપોષણનો ભય હતો, આરોગ્ય સુરક્ષા એક સમસ્યા હતી, શિક્ષણનો અભાવ હતો અને કનેક્ટિવિટીનો અભાવ હતો. આ અભાવ આદિવાસી વિસ્તારોની ઓળખ બની ગયો હતો. અને કોંગ્રેસ સરકાર નિષ્ક્રિય બેસી રહી. પરંતુ આદિવાસી કલ્યાણ ભાજપની ટોચની પ્રાથમિકતા રહી. અમે હંમેશા આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને દૂર કરવા અને વિકાસના લાભો તેમના સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધ્યા.
