ગુજરાતમાં 52,856 લોકો એવા છે જેમની પાસે દારૂનો પરવાનો છે. નશાબંધી અને આબકારી વિભાગે આપેલા આ આંકડા ગયા મહિનાના અંત સુધીના છે. તમને જાણીને નવાઈ લાગશે કે 85 ટકા લોકો એ તો સ્વાસ્થ્યનું કારણ આપીને પરવાનો મેળવેલો છે. જેનો આંકડો 45,032 છે. જ્યારે 2551 હંગામી પરમિટ, 3530 મુલાકાતી પરમિટ અને 1743 પ્રવાસી પરમિટ પણ આપવામાં આવેલી છે.
નશાબંધી અને આબકારી વિભાગ દારૂ સહિત કુલ 50 કરતા પણ વધુ પરવાના ઇશ્યૂ કરે છે. અગાઉ, ગુજરાતની નશાબંધી અને આબકારી કચેરીમાં કોઈપણ પરવાનો મેળવવા માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન હતી. અરજદારોને ફોર્મ ભરવા, બેંકમાં ચલણ દ્વારા ફી ચૂકવવા અને ડોક્યુમેન્ટ માટે પણ ધક્કા ખાવા પડતા હતા. આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર પણ ધમધોકાર ચાલતો હોવાની ફરિયાદો આવતી હતી. પણ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ પરવાનાની પ્રક્રિયા ઓનલાઇન થઇ જશે. http://eps.gujarat.gov.in નામની વેબસાઇટ મારફતે આવા પરવાના મેળવી શકાશે. જેમાં લોગ-ઇન આઇડી જનરેટ કરવી પડશે. ત્યાર બાદ વેબસાઇટ પર આપેલી વિગતો ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્રીજા તબક્કામાં ફી પણ ઓનલાઇન ભરી દેવાની રહેશે.
આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં ઇશ્યૂ થયેલી દારૂની કુલ 52, 800 પરમિટમાંથી 66 ટકા પરમિટ માત્ર ચાર જિલ્લા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના લોકોએ મેળવેલી છે. જ્યારે અન્ય 22 જિલ્લામાં 17,800એ પરમિટ લીધી છે.
ગુજરાતમાં જેટલો આશ્ચર્યજનક આંકડો દારૂના પરવાના મેળવવાનો છે. એટલો જ ચોંકાવનારો આંકડો દારૂ પકડાવવા બાબતનો પણ છે. ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ 2024 દરમિયાન દારૂના કુલ 455 કેસ કરીને 22.52 કરોડ રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે.
DGPના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ કામ કરે છે. 2024માં વર્ષના 365 દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વાર રાજ્યભરમાં દારૂ અને જુગારના 534 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં દારૂના સૌથી વધુ કેસ ગાંધીનગર રેન્જ, અમદાવાદ શહેર અને બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ચોક્કસ વિસ્તારો ઉપરાંત રિંગ રોડ અને શહેરના છેવાડાના પોલીસ મથકોની હદમાંથી દરરોજ રાત્રે દારૂના સંખ્યાબંધ વાહનો પસાર થઇ રહ્યા હોવાની વિગતો ગાંધીનગર બેઠેલા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને મળી જાય છે, પરંતુ સ્થાનિક પોલીસ તેનાથી અજાણ હોય છે. વળી, સ્થાનિક પોલીસ દ્વારા પકડવામાં આવતા દારૂના કેસોને પણ આમાં સામેલ કરવામાં આવે તો આંકડો અનેકગણો વધી શકે છે.
આ નવી સિસ્ટમથી અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી દરેક અરજીનું સતત મોનિટરિંગ થાય છે. આ સિસ્ટમથી જાણી શકાય કે કઈ ફાઇલ કયા ટેબલ પર, કયા કર્મચારી પાસે અને કેટલા દિવસથી પેન્ડિંગ છે.
દરરોજ સાંજે, દરેક કર્મચારી અને તેમના વિભાગના અધિક્ષકને એક SMS દ્વારા જાણ કરવામાં આવે છે કે કઈ ફાઇલો પેન્ડિંગ છે. આનાથી કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે છે અને ફાઇલોનો નિકાલ સમયસર થાય છે.
રાજ્ય કક્ષાના અધિકારીઓને પણ દરરોજ સાંજે SMS દ્વારા જાણ કરવામાં આવે છે કે કયા જિલ્લામાં કેટલી ફાઇલો પાંચથી વધુ દિવસથી પેન્ડિંગ છે. આનાથી ઉચ્ચ અધિકારીઓ સમગ્ર રાજ્યની કામગીરી પર નજર રાખી શકે છે.
