આજથી ગુજરાત વિધાનસભાના મહત્વપૂર્ણ સત્રની શરૂઆત થઈ રહી છે. આ સત્ર પૂર્વે રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ તમામ ધારાસભ્યોને સંબોધીને એક સૂચક નિવેદન આપ્યું છે. તેમણે લોકશાહીના પર્વ સમાન આ સત્રમાં જનહિતના પ્રશ્નોને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો છે.
વિધાનસભા પરિસરમાં મીડિયા સાથે વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “આજથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે હું દરેક ધારાસભ્યને શુભેચ્છા પાઠવું છું. દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારના પડતર પ્રશ્નો અને જનતાની સમસ્યાઓ ગૃહમાં ઉઠાવે તે લોકશાહી માટે જરૂરી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સત્ર દરમિયાન રાજ્યના વિકાસને વેગ મળે તેવી યોજનાઓ પર વિગતવાર ચર્ચાઓ કરવામાં આવશે. તેમણે વિપક્ષ અને અન્ય સભ્યોને રાજકીય ટીકા-ટિપ્પણીઓથી ઉપર ઊઠીને રાજ્યના હિતમાં અને વિકાસલક્ષી ચર્ચાઓ કરવા માટે હાકલ કરી છે.હર્ષ સંઘવીના મતે, વિધાનસભા એ પ્રજાના પ્રશ્નોના નિરાકરણનું સર્વોચ્ચ સ્થળ છે. જો ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો તાર્કિક રીતે રજૂ કરશે, તો સરકાર તેને સકારાત્મક રીતે ઉકેલવા માટે કટિબદ્ધ છે.