મતદાર યાદી જાહેર થયા બાદ તેમાં વાંધા અરજી માટે એક મહિનાનો સમય અપાશે, બાદમાં અન્ય કામગીરીને જોતા જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલના અંત કે મે મહિનામાં યોજાઈ તેવી શક્યતા જોવાઈ રહી છે. વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરતા રાજકીય પક્ષોએ પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે.
તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખને આધારે હાથ ધરાયેલી આ વિશેષ પુનઃપરીક્ષણ પ્રક્રિયામાં 30 જાન્યુઆરી સુધી દાવો-વાંધાની મુદત આપવામાં આવી હતી અને 10 ફેબ્રુઆરી સુધી અરજીઓના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.
આમાં ફોર્મ નં. 6 હેઠળ નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે 7,25,920 અરજીઓ મળી છે, જ્યારે ફોર્મ નં. 7 હેઠળ નામ કમી કરવા માટે 1,83,235 અરજીઓ પ્રાપ્ત થઈ છે. ફોર્મ નં. 8 હેઠળ વિગતોમાં સુધારા માટે 5,60,970 અરજીઓ નોંધાઈ છે.
સૂત્રોના જણાવ્યાનુસાર અમદાવાદ મહાનગરપાલિકાના તમામ વોર્ડની વોર્ડ વાર વિભાગ વાર ફોટાવાળી મતદારયાદીઓ તૈયાર કરવા અંગે રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરની કચેરી દ્વારા નિયત કરેલ કંપનીને કંપનીને કામગીરી ફાળવવામાં આવેલી છે. આ કંપની પાસેથી અમદાવાદ મહાનગરપાલિકાના તમામ વોર્ડોની મતદારયાદીઓની એક હાર્ડ કોપી, એક સોફ્ટ કોપી (PDF FORMAT) તથા નિયત કરવામાં આવેલ પત્રક નમુનો ક, નમુનો ખ, નમુનો 2 અને વોર્ડવાર ઈન્ડેક્ષ અને હદ વર્ણન આવશે.
અમદાવાદ મહાનગરપાલિકાને સામાન્ય ચૂંટણી-2026ની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણી આનુસાંગીક કામગીરીઓ અર્થે દરેક વોર્ડની મતદારયાદીઓની અંદાજે 50 નકલોની જરૂરીયાત ઉપસ્થિત થશે.