ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઇ છે. રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થઇ હતી. રાજ્યપાલના અભિભાષણ સમયે AAP ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ટ્રેડ ડીલનો વિરોધ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ સત્ર મામલે વાત કરતા કહ્યું કે, રાજ્યપાલે પોતાના અભિભાષણમાં ટ્રેડ ડીલનો ઉલ્લેખ ન કર્યો, એ દુઃખદ બાબત છે. રાજ્યપાલે ખેડૂતોને થનારા નુકસાન મુદ્દે કોઈ ચિંતા વ્યક્ત કરી નથી. ભારત – અમેરિકાની ટ્રેડ ડીલ એકતરફી, ભારતના ખેડૂતો માટે હાનિકારક.
અમેરિકાને ફાયદો થાય અને ગુજરાત સહિત પૂરા ભારતના ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગોને નુકસાન થાય એવી એક તરફી ટ્રેડ ડીલ કરવામાં આવી. અમેરિકાની પ્રોડક્ટ આપણા દેશમાં આવશે તો ખેડૂતો અને પશુપાલકોને મોટાપાયે નુકસાન થશે. અમેરિકાની અનેક ખેતીલક્ષી પ્રોડક્ટોની આયાત પર ભારતે ટેક્સ ઝીરો કરી નાખ્યો.
અમેરિકાથી કપાસ, દૂધ, સોયાબીન સસ્તામાં આવશે તો આપણા ખેડૂતો જે દૂધ, કપાસ, સોયાબીન પેદા કરે છે એનું શું થશે? ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ અને સુખી નહીં હોય, તો ગુજરાતમાં કોઈ પણ લોકો સુખી નહીં બની શકે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, શોષણ થાય છે, કડદા થાય છે, આવી અનેક સમસ્યાઓથી ગુજરાતના ખેડૂતો પીડાય છે. મુશ્કેલીમાં ઘેરાયેલા ગુજરાતના ખેડૂતોને મદદ થાય એના બદલે અમેરિકાના ખેડૂતોને મદદ થાય એ રીતની ડીલ કરવામાં આવી. દુનિયામાં કોઈ દેશ પોતાનું નુકસાન થાય એવી ડીલ કરતો નથી, પરંતુ PM મોદીની સરકારે અમેરિકાના દબાણમાં આવી ગુજરાતના ખેડૂતો બરબાદ થાય એવી ડીલ કરી.