વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થયો હતો. એને પગલે પોલીસે માર મારનારા 2 યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવકોને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બંનેએ માફી માંગી હતી અને ફરી આવું કૃત્ય ન કરવાની વાત કરી હતી. હજુ અન્ય બે શખ્સ પોલીસ પકડમાંથી દૂર છે. જેમાં શખ્સે માર માર્યો હતો અને બીજો વિડિયો ઉતરતો હતો.
વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર માટે બોલાવી હતી. એને પગલે યુવતીના ભાઇ સહિતના 4થી5 લોકોએ યુવકને ઢોરમાર માર્યો હતો. એને પગલે સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો, જોકે યુવકે ફરિયાદ કરવાની ના પાડતાં અકોટા પોલીસે કલમ 151 અંતર્ગત 2 યુવકની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
https://www.facebook.com/share/v/1AcUBYnEwB
પકડાયા બાદ યુવકોએ પોલીસ સ્ટેશનમાં કહ્યું હતું કે, ઇન્ડિયા બુલ્સ મોલ ઉપર જે બનાવ બન્યો હતો, તેમાં સામેવાળા જે મિત્રો છે તે અમે બધા જ બાળપણથી મિત્રો છીએ. અમે સાથે કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. જે દિવસે આ ઘટના બની, તે દિવસે અમે તેમને અમારી ઓફિસ પર બોલાવ્યા હતા. ત્યાં કોઈ નાની-મોટી બાબતે ગેરસમજ થતા આવેશમાં આવીને અમારા બંને વચ્ચે અંદરોઅંદર ઝગડો થઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસ દ્વારા અમારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. અમે પોલીસને પૂરેપૂરો સહકાર આપ્યો છે. પોલીસ દ્વારા અમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. અમારા દ્વારા જે કંઈ પણ કૃત્ય થયું છે, તે માટે અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ. અમે ખાતરી આપીએ છીએ કે આગળ જતાં આવી કોઈ પણ ઘટના ફરીથી બનશે નહીં.