ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરી રહ્યા છે.
વિધાનસભા ગૃહમાં પશ્નોત્તરી કાળની શરૂઆતથી જ ગરમાગરમી જોવા મળી હતી. અધ્યક્ષે પ્રશ્નોત્તરી પેહલાં જ જીગ્નેશ મેવાણીને ચેતવ્યા છે કે કોઈ પણ જાતનું પોસ્ટર લઈને ઊભા થતા નહીં. બજેટના વિરોધમાં મેવાણી બ્લેક કલરનો શર્ટ પહેરીને આવ્યા છે.
‘હાથશાળ-હસ્તકલા અને ગ્રામોદ્યોગના કારીગરો માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ’
રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે ‘વોકલ ફોર લોકલ’ની પહેલ હેઠળ તમામ જિલ્લાઓનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાના અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ અંતર્ગત પસંદ કરવામાં આવ્યાં છે. આ ચીજવસ્તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.
‘ગુજરાત જન વિશ્વાસ અધિનિયમમાં 11 અધિનિયમો, 516 જોગવાઇઓમાં સુધારા’
રાજ્યએ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગને વધુ સશક્ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ(જોગવાઇઓમાં સુધારા) અધિનિયમ, 2025 અમલમાં મૂક્યો છે. જેમાં 11 અધિનિયમો તથા 516 જોગવાઇઓમાં હકારાત્મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યાં છે. આ સરળીકરણના લીધે ઉત્પાદક, વેપારી અને ઔદ્યોગિક કામદારોનો શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
‘ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)ની સ્થાપનાની જાહેરાત’
રાષ્ટ્રની માલસામાન નિકાસમાં 26%થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત કરું છું.
‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી માટે ₹2755 કરોડ’
રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી’ અંતર્ગત ₹67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયું છે. જેને લીધે 2 લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાઈ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹2755 કરોડની જોગવાઇ સૂચવું છું.
‘ઝાલોદ, ગરબાડા સહિત 5 જગ્યાએ નવી GIDC બનશે’
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું.
‘25 GIDC સ્માર્ટ બનાવાશે, 120 મીની GIDCનું નવીનીકરણ’
ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં 25 જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં ₹1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ₹50 કરોડના રોકાણથી 120 મીની GIDCના નવીનીકરણનું આયોજન છે.
‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME માટે ₹1775 કરોડ’
દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે ₹1775 કરોડની જોગવાઇ સૂચવું છું.
‘સ્ટાર્ટઅપ ક્ષેત્રે નીતિઓને કારણે બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ’
સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારની નીતિઓથી યુવાનોને ‘વિચારથી વ્યવસાય’ સુધીનું પ્રોત્સાહન મળી રહ્યું છે. યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેની અભિરુચી અને સાહસના કારણે અત્યાર સુધી આશરે 16 હજાર જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે. જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’નો એવોર્ડ મળ્યો છે. જે બદલ રાજ્યના યુવાનોને હું અભિનંદન પાઠવું છું.
‘સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટમાં i-Hubના રીજનલ સેન્ટર સ્થાપવા માટે ₹80 કરોડ’
અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણ્યું છે. સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલી ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્ટર સ્થાપવામાં આવશે. જેના માટે ₹80 કરોડની જોગવાઇ સૂચવું છું.
‘એલ.ડી. ઇજનેરી કોલેજ અમદાવાદમાં રિસર્ચ પાર્કની સ્થાપના કરવા ₹51 કરોડ’
રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઇ.આઇ.ટી.ના મોડલ પર એલ.ડી. ઇજનેરી કોલેજ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા ₹51 કરોડની જોગવાઇ સૂચવું છું.
‘એપ્રેન્ટીસને માસિક ₹3,000 સુધીની સહાય આપવા ₹80 કરોડ’
યુવાનોને રોજગારી માટે કૌશલ્યપૂર્ણ તાલીમ આપવાના હેતુથી ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’ હેઠળ 1 લાખથી વધુ એપ્રેન્ટીસ તાલીમ મેળવે છે. આ યોજના સેવાક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્ટીસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ તાલીમાર્થીઓને માસિક ₹3000 સુધીની સહાય આપવા ₹80 કરોડની જોગવાઇ સૂચવું છું.
‘નમો ગુજરાત કૌશલ્ય-રોજગાર મિશનને વેગ આપવા ₹226 કરોડ’
અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં ભર્યા છે. ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા ₹226 કરોડની જોગવાઇ સૂચવું છું.
‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે ₹250 કરોડ’
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધ્યો છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયો છે. જેના માટે ₹250 કરોડની જોગવાઇ સૂચવું છું.
‘ગાંધીનગરમાં 100 કરોડની દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે’
ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં ₹100 કરોડની જોગવાઇ સૂચવું છું. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરું છું.
‘સંકલિત શાળાઓ બનાવવા માટે ₹120 કરોડની જોગવાઈ’
‘એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય’ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે ₹120 કરોડની જોગવાઇ સૂચવું છું.
‘926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરાશે’
અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ 926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.
‘આશ્રમશાળા-ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોના વિદ્યાર્થીઓની માસિક સહાય વધારી ₹2500’
આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹2160માં ₹340નો વધારો કરી ₹2500 કરવાની જાહેરાત કરું છું.
‘શિષ્યવૃત્તિ માટે વાર્ષિક આવક મર્યાદા વધારીને ₹6 લાખ કરાઈ’
ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક ₹2 લાખ 50 હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા ₹2 લાખ 50 હજારથી વધારીને ₹6 લાખ કરવાની જાહેરાત કરું છું.
‘97 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે ₹5967 કરોડ’
ગુજરાતની વસ્તીમાં 36% કરતા વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા, સમાન અવસર મળે તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને ₹5967 કરોડની જોગવાઇ શિષ્યવૃત્તિ માટે કરું છું.
‘VB-G RAM G યોજનામાં કામના દિવસો વધારી 125 કર્યા, ₹1500 કરોડની ફાળવણી’
VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યો છે. જેમાં કામના દિવસો 100થી વધારી 125 કરવામાં આવ્યા છે. જેના માટે કુલ ₹1500 કરોડનું આયોજન કર્યું છે.
‘નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર અને 50 ધન્વંતરિ આરોગ્ય રથ માટે કુલ ₹260 કરોડ’
બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતાં નવા 121 કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. તેમજ શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતાં
કુલ 154 ધન્વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ₹260 કરોડની જોગવાઇ સૂચવું છું.
‘મા યોજનામાં 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કર્યો’
ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)’ યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કર્યો છે. જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે ₹3472 કરોડની જોગવાઇ સૂચવું છું.
‘નવી 2,000 આંગણવાડીઓ બનાવવા ₹360 કરોડ’
રાજ્ય સરકાર દ્વારા 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે ₹360 કરોડની જોગવાઇ
‘75 લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ’
નાગરિકોની અન્નસુરક્ષાના અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે.
‘નિગમો માટે કુલ ₹869 કરોડની જોગવાઈ’
સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 1 લાખ 35 હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ ₹869 કરોડની જોગવાઇ
‘આ વર્ષે 3 લાખ 15 હજારથી વધુ આવાસો બનાવાશે’
એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી ‘ઘર સૌના માટે’નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ₹4272 કરોડની જોગવાઇ સૂચવું છું.
‘દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા’
રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3 લાખ 1 હજાર (₹3,01,000) છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60થી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
‘AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે’
પોલિસીથી યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે. સેમી કન્ડક્ટર્સ અને હાઇ વેલ્યુ મેન્યુફેક્ચરીંગમાં વધુ વેગ આવશે. કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સ વધુ અસરકારક બનશે. તેમજ રીન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.
‘ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરી’
પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરી છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરીંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલીમેન્ટેશન ઓફ AI, ઇન્ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે.
‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનોની શરૂઆત’
વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003થી શરૂ કરાયેલ વાઇબ્રન્ટ સમિટથી રાજ્યની આર્થિક પ્રગતિને એક નવી જ ઉડાન મળી છે. જેને આગળ વધારતાં રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો (VGRC) શરૂ કરેલ છે. જેનો મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવાનો છે.
‘PM JANMAN હેઠળ દેશમાં ગુજરાતને ‘બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય’નો એવોર્ડ’
અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલા અસરકારક કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન(PM JANMAN) હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને ‘બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય’ તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2025માં એનાયત કરવામાં આવ્યો છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
‘ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતીની ભવ્ય ઉજવણી કરી’
‘વિકાસમાં કોઈ પાાછળ ન રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહે’ની ભાવના સાથે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ અવસરે વડાપ્રધાને જનજાતિ સમુદાયના વિકાસ માટે જનજાતિય કલ્યાણ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ₹2 લાખ કરોડના અઢળક વિકાસ કાર્યોના આયોજનની જાહેરાત કરી છે.
‘ગુજરાત@2035ના રોડમેપ સાથે અમે આગળ વધી રહ્યાં છીએ’
આપણને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળી છે તેનો સંપૂર્ણ યશ ખેલમહાકુંભની શરૂઆત કરાવનાર ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાનને જાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાત@2047’ના સંકલ્પને સાકાર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. ગુજરાતની સ્થાપનાનાં 75 વર્ષ સને 2035માં પૂર્ણ થઇ રહ્યાં છે. આ અમૃતકાળના સોનેરી અવસરે વિકસિત ગુજરાત@2047ની વિકાસ યાત્રાને વેગ આપવા ગુજરાત@2035ના રોડમેપ સાથે અમે આગળ વધી રહ્યાં છીએ.
શ્રમ અધિનિયમમાં સુધારાઓથી કામદારોને ફાયદો: કનુ દેસાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસેવક તરીકે જનસેવાના અવિરત 24 વર્ષ પૂર્ણ કરી ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપી છે. સુશાસન અને જનકલ્યાણના કાર્યો દ્વારા જન અપેક્ષાઓને સાકાર કરી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને એ સાથે ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ ગુજરાતની સમગ્ર જનતા વતી હું તેમને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનના વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે. જી.એસ.ટી.માં કરેલ ઐતિહાસિક સુધારાથી સામાન્ય નાગરિકની જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદશકિતમાં વધારો થયો છે. વધુમાં, શ્રમ અધિનિયમમાં કરેલ સુધારાઓથી કામદારોની સામાજિક સુરક્ષા, રોજગારીની તક સાથે તેમના સન્માનમાં વધારો થયો છે.