અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝાના મસાલા બજાર પર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે સર્જાયેલી અસ્થિરતાને પગલે ઊંઝાના વેપારીઓના કરોડો રૂપિયા દરિયાની વચ્ચે અટવાઈ જતાં સમગ્ર વેપારી આલમમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ વ્યાપી ગયો છે.
હાલની પરિસ્થિતિ મુજબ ઊંઝાથી વિદેશ મોકલવામાં આવેલા અંદાજે 200થી 250 જેટલા કન્ટેનરો ટ્રાન્ઝિટમાં અટવાઈ ગયા છે. આ કન્ટેનરોમાં જીરું અને વરિયાળી સહિતના કિંમતી મસાલાઓનો જથ્થો ભરાયેલો છે. માલ સમયસર ગંતવ્ય સ્થાને ન પહોંચવાને કારણે અને પેમેન્ટ અટકી જવાથી વેપારીઓની અંદાજે રૂ 200થી 500 કરોડ જેવી માતબર રકમ ફસાઈ હોવાનું જાણવા મળે છે.
સૌથી ગંભીર સ્થિતિ વીમા ક્ષેત્રે સર્જાઈ છે. યુદ્ધના જોખમને ધ્યાનમાં રાખીને હાલમાં કોઈ પણ વીમા કંપની શિપિંગ લાઇન માટે વીમો લેવા તૈયાર નથી. વીમા વગર આંતરરાષ્ટ્રીય બજારમાં માલ મોકલવો અત્યંત જોખમી હોવાથી ઊંઝાથી થતી મસાલાની નિકાસ હાલમાં લગભગ અશક્ય બની ગઈ છે. નિકાસકારો માટે આ સ્થિતિ ‘પડતા પર પાટું’ સમાન સાબિત થઈ રહી છે.
ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલના જણાવ્યા અનુસાર ઊંઝામાં થતા કુલ મસાલા વેપારના 40થી 45% હિસ્સો નિકાસ પર નિર્ભર છે. ખાડી યુદ્ધની સ્થિતિને કારણે નિકાસમાં મોટો અવરોધ આવ્યો છે. જે શિપિંગ લાઇનના ભાડા અગાઉ 1500 ડોલર આસપાસ હતા, તે વધીને હવે 4500થી 5000 ડોલર સુધી પહોંચી ગયા છે. વધુમાં, ઇન્શ્યોરન્સ મળવો મુશ્કેલ હોવાથી નિકાસનો કારોબાર અત્યારે લગભગ ઠપ્પ જેવો છે.
જોકે હાલમાં સ્થાનિક (ડોમેસ્ટિક) માગ સારી છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો તેની માઠી અસર ખેડૂતો પર પણ પડશે. હાલ ગુજરાતમાંથી દરરોજ 25થી 30 હજાર બોરીની આવક થઈ રહી છે અને ખેડૂતોને રૂ. 3800થી 4500 સુધીના ભાવ મળી રહ્યા છે.
ફાઉન્ડર ચેરમેન FISS અને ઈસબગુલ એસોસિયેશનના પ્રમુખ અશ્વિન નાયકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે અમારી સંસ્થા જે FISS છે એમાં 600થી વધારે મેમ્બરો છે. એમાં 100થી 150 એક્સપોર્ટર અને બાકીના 400થી 450 આખા ભારતમાં વેપાર કરવાવાળા વેપારીઓ જોડાયેલા છે. છેલ્લા 15 દિવસથી યુદ્ધની જે પરિસ્થિતિ ઉભી થઈ છે એના કારણે જે 100થી 150 અમારા એક્સપોર્ટરો છે એ બધા જ અત્યારે તકલીફમાં છે.
એના સિવાય જે કન્ટેનરો નવા મોકલવાના હોય એના ઉપર તો 4થી 5 હજાર ડોલર માગે જ છે પર્ટીક્યુલરલી મિડલ ઈસ્ટ માટે. પણ જે ચઢી ગયા હતા એના ઉપર પણ એ લોકો વોર સરચાર્જ લે છે. આ દેશ સિવાય યુરોપ, અમેરિકા અને દુનિયાના જે બાકીના દેશો છે એમાં જે 1200-1500 ડોલરનું કન્ટેનર હતું, એના અત્યારે 2500-3000 ડોલર ભાડા શિપિંગ લાઈનો માગી રહી છે અને આ શિપમેન્ટો હવે દોઢા-બમણા ભાડામાં જઈ રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાંથી જીરું, વરિયાળી, મેથી, ધાણા, તલ અને ઈસબગુલ આ બધી જ પ્રોડક્ટ્સ મોટી માત્રામાં એક્સપોર્ટ થાય છે. 10,000 કરોડથી વધારેનું એક્સપોર્ટ ખાલી ઉત્તર ગુજરાતમાંથી આ બધી પ્રોડક્ટ્સનું થાય છે.
કન્ટેનરોમાં એક તો જે વધારાના ભાડા માંગી રહ્યા છે એના લીધે દરેક કન્ટેનરે 4થી 5 લાખથી વધારે ભાડા ચૂકવવા પડી રહ્યા છે અને પેમેન્ટની જે સાયકલ હતી એ પણ અટકી ગઈ છે. માર્ચ મહિનો આપણો અકાઉન્ટિંગ વર્ષ ક્લોઝિંગનો છે અને એના લીધે અત્યારે મુશ્કેલીઓ વધી રહી છે.
અમારી માંગણી છે કે સરકાર આમાં ઇન્ટરફિયર કરીને શિપિંગ લાઈનોને સૂચના આપે કે વોર સરચાર્જના નામે લૂંટ ના ચલાવે. શિપિંગ લાઈનો અને વેપારીઓ વચ્ચે સમન્વય રહે એના માટે જો સરકાર કામ કરે તો આપણું એક્સપોર્ટ વધારે ઇફેક્ટ થયા વગર એક્સપોર્ટરોને નુકશાન વગર ચાલતું રહે.