મળતી માહિતી મુજબ, અમદાવાદના છેલ્લા વિસ્તારમાં આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામની બિલ્ડિંગમાં આજે 26 માર્ચે સવારે 8:00 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડની સૌપ્રથમ બેથી ત્રણ ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે સી બ્લોકના ત્રીજા માળે મકાનમાં આગ લાગેલી હતી અને આગ વિકરાળ બનીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. 15 માળ સુધી ધુમાડો પહોંચ્યો હતો, જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા વધુ ગાડીઓ બોલાવવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી છે. આગ ત્રીજા માળના મકાનમાં આગ લાગી હતી, જે વિકરાળ બની ગઈ હતી અને ધીમે ધીમે ચોથા માળના મકાનમાં પણ લાગી ગઈ હતી. આખા મકાનમાં આગ લાગી હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ધીમે-ધીમે આગ ચોથા માળના ઉપરના ભાગે પણ લાગી ગઈ હતી, જેથી ચોથા માળના મકાનના રહેવાસી ઘરની બહાર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા હાલ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
https://www.instagram.com/reel/DWVp75NEzMI/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
એડિશનલ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ જણાવ્યું હતું કે, સ્કાય સિટી નામના બિલ્ડિંગમાં આગ લાગવા અંગેનો મેસેજ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના કરવામાં આવી હતી. સૌપ્રથમ બોપલ ફાયર સ્ટેશન ત્યારબાદ થલતેજ અને પ્રહલાદનગરથી કુલ 10 ફાયરના ગાડીઓ અને આઠ અધિકારીઓની એમ 18 ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઈ લીધી હતી. જે લોકો ત્રીજા માળથી ઉપરના માળ સુધી ફસાયેલા હતા, તે તમામ લોકોને ઉપર લઈ જવામાં આવ્યા હતા અને આગ બુઝાયા બાદ તમામને સહી-સલામત નીચે ઉતારી લેવામાં આવ્યા છે. ડિવિઝનલ ફાયર ઓફિસર કેજાદ દસ્તુર અને ડેપ્યુટીફાયર ઓફિસર હિરેન સહિત ફાયર બ્રિગેડના 35થી 40 જવાનો દ્વારા આગને કાબૂમાં લઈ લોકોને સહી-સલામત નીચે ઉતારી લીધા હતા.
ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એ. કે. ડોંગરેના જણાવ્યા મુજબ, ફાયરબ્રિગેડ દ્વારા આગના સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે. કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડના 8 વાહનો અને અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લઈ લીધી છે.