સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે તા. 27-03-2026, શુક્રવારના રોજ શ્રી રામનવમી તથા શ્રી ઘનશ્યામ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને અત્યંત સુંદર હજારીગલના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
સવારે 05:45 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી ઉતારવામાં આવી હતી અને દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને કાજુ, દ્રાક્ષ, અંજીર અને બદામ જેવા સૂકા મેવા (ડ્રાયફ્રૂટ્સ)નો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે બરાબર 12:00 કલાકે શ્રી રામ જન્મોત્સવની ભવ્ય આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી, જેમાં હજારો હરિભક્તોએ સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી. આજે રાત્રે 10:10 કલાકે ઘનશ્યામ જન્મોત્સવની વિશેષ આરતી કરવામાં આવશે. આ પ્રસંગે મંદિરના આંગણે હરિભક્તો દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવી આનંદોત્સવ મનાવવામાં આવશે. દિવસભર ભક્તોએ દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
https://www.instagram.com/reel/DWYJzqyE2ej/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==