નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે સેનાએ મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો છે.
નેપાળમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે, ‘Gen-Z’ જૂથોએ આ હિંસા અને તોડફોડથી પોતાને દૂર રાખ્યા છે. ‘Gen-Z નેપાળ’, ‘હામી નેપાળ’ અને ‘હાઉ ટુ દેશ વિકાસ’ જેવા જૂથોએ સોશિયલ મીડિયા પર નિવેદનો જારી કરીને કહ્યું કે આ હિંસા તેમની નથી.
તેમણે કહ્યું- કેટલાક જૂથો પોતાના ફાયદા માટે આ હિંસા કરી રહ્યા છે. Gen-Zએ વિરોધીઓને શાંતિ જાળવવા અપીલ કરી.
Gen-Zએ કહ્યું- આ તકવાદીઓ અને નિષ્ફળ નેતાઓનું કામ છે જે અમારા આંદોલનને બદનામ કરવા માગે છે.
આજે નેપાળમાં રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલની હાજરીમાં નેપાળ સેના અને પ્રદર્શનકારી યુવાનો વચ્ચે ઔપચારિક વાતચીત થશે. જોકે, તેનો સમય હજુ નક્કી થયો નથી.
ઉદ્દેશ્ય આંદોલનને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવાનો છે. મંગળવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવન, શિતલ નિવાસ ખાતે યુવા પ્રતિનિધિઓ અને સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલ વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હતી. આ પછી, આજે સવારથી ઔપચારિક વાતચીતની તૈયારીઓ કરવામાં આવી છે.
આ વાતચીતનો મુખ્ય એજન્ડા નાગરિક સરકારની રચના, સંસદ ભંગ કરવી અને નવી ચૂંટણીઓ યોજવાનો રહેશે. વિરોધ કરી રહેલા યુવાનો માંગ કરી રહ્યા છે કે પક્ષોને સત્તા પરથી દૂર કરવામાં આવે અને લોકોના નેતૃત્વમાં નવી સરકાર રચવામાં આવે. કાઠમંડુ મેટ્રોપોલિટન ચીફ બાલેન શાહે પણ સંસદ ભંગ કરવાની શરતે વાતચીતને ટેકો આપ્યો છે.
પશુપતિનાથ મંદિરમાં જતા યાત્રાળુઓ દર્શન કર્યા વિના પરત ફરી રહ્યા છે
પ્રદર્શનોને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જેના કારણે પશુપતિનાથ મંદિરમાં જતા ઘણા યાત્રાળુઓ હવે દર્શન કર્યા વિના પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.
પ્રદર્શનકારીઓએ વકીલોની ઓફિસોમાં આગ લગાવી, ઘણા દસ્તાવેજો સળગાવ્યાં
નેપાળના ચિતવન જિલ્લામાં મંગળવારે રાત્રે પ્રદર્શનકારીઓએ જિલ્લા વહીવટી કાર્યાલય અને ચૂંટણી કાર્યાલયમાં આગ લગાવી દીધી. આગ એટલી ભીષણ હતી કે બુધવાર સવાર સુધી તેને બુઝાવી શકાઈ ન હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લા કોર્ટ અને સરકારી વકીલોની ઓફિસમાં પણ આગ લગાવવામાં આવી હતી, જેમાં ઘણા દસ્તાવેજોનો નાશ થયો હતો.
ભરતપુર અને અન્ય વિસ્તારોમાં મ્યુનિસિપલ અને વોર્ડ ઓફિસો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. નેપાળી કોંગ્રેસ, યુએમએલ અને માઓવાદી સેન્ટરની ઓફિસો પર પણ આગ લગાવવામાં આવી હતી.
નેપાળમાં ફસાયેલી ભારતીય મહિલાએ કહ્યું- હોટેલ સળગાવી, લાકડીઓ લઈને પાછળ દોડ્યા
નેપાળમાં ફસાયેલી ભારતીય મહિલાએ ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવવા માટે એક વીડિયો જાહેર કર્યો, ભારત સરકારને મદદ માટે પણ અપીલ કરી. ઉપાસના ગિલ નામની આ મહિલાએ જણાવ્યું કે, તે નેપાળમાં વોલીબોલ લીગનું આયોજન કરવા આવી હતી. તે જે હોટેલમાં રોકાઈ હતી તે સળગાવી દેવામાં આવી છે. ઘણા પ્રદર્શનીઓએ તેના પર હુમલો પણ કર્યો.
