અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ મોત અને ત્યાર બાદ તેના માતા-પિતા એવા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિની તબિયત ખરાબ થવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે.
ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા-પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના બ્લડ સેમ્પલ લઈને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ઊંઘની દવાનું કન્ટેન્ટ મળી આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ રિપોર્ટને પગલે હવે પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ ઢોંસાના ખીરાના ખાવાના કારણે બે બાળકીઓના મોત અને માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થાય એ વાત શક્ય નથી. જેને લઈને હવે પોલીસ દ્વારા બ્લડ સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરી રહી છે.
ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.