અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે અને સરદાર પટેલના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતમાં ઐતિહાસિક 1800 કિમીની “સરદાર સન્માન યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી તારીખ 11 સપ્ટેમ્બર, 2025ને ગુરુવારથી બારડોલીથી શરુ થઈને 355 ગામોમાં પરિભ્રમણ કરીને સોમનાથ ધામ પર સંપન્ન થશે. આ 12 દિવસની યાત્રા વિવિધ શહેરોમાં પહોંચશે જ્યાં પાટીદારો યાત્રાનું સ્વાગત કરશે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ તેમના જીવન અને સિદ્ધાંતોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મહત્ત્વપૂર્ણ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સરદાર સન્માન યાત્રા 2025’ નામની આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગને એકસાથે લાવીને સરદાર પટેલના યોગદાનને યાદ કરીને એકતા દર્શાવવાનો છે. ખાસ કરીને આ વર્ષે પહેલી વાર આ યાત્રામાં ત્રણેયએ પાર્ટીના નેતાઓ જોડાશે. જેમાં ભાજપમાંથી પ્રશાંત કોરાટ, કોંગ્રેસમાંથી પ્રતાપ દુધાત અને આમ આદમી પાર્ટી(AAP)માંથી રાકેશ હિરપરા જોડાશે.
સરદાર સાહેબના સિદ્ધાંતો, દેશભક્તિ અને રાષ્ટ્રની એકતા માટેના યોગદાનથી પ્રેરણા લઇ, એકતાની તરફની આ યાત્રા છે. જેમાં દરેક ધર્મ, જ્ઞાતી, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સુત્રમાં બાંધવાનુ અમુલ્ય કાર્ય થવાનું છે.
યાત્રાના મુખ્ય ઉદ્દેશ્યો
સર્વસમાજને જોડવો: આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ સમાજને એકસાથે લાવીને સરદાર પટેલના કર્તૃત્વને શ્રદ્ધાંજલિ આપવાનો છે.
વૃક્ષારોપણ: યાત્રા દરમિયાન દરેક ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવશે, જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની જાગૃતિને પ્રોત્સાહન આપશે.
રાજવી પરિવારોનું સન્માન: દેશને પોતાના રજવાડાઓનું એકીકરણ કરીને ભારતનો નકશો તૈયાર કરનારા રાજવી પરિવારોનું સન્માન કરવામાં આવશે.
લોકજાગૃતિ: આ યાત્રાના માધ્યમથી લોકોને સરદાર પટેલના સિદ્ધાંતો અને દેશના એકીકરણમાં તેમની મહત્ત્વની ભૂમિકા અંગે જાગૃત કરવામાં આવશે.
સપનાનું ભારત: યાત્રાનો અંતિમ ધ્યેય સરદાર પટેલના સપનાનું ભારત બનાવવાની દિશામાં કામ કરવાનું છે.
સરદાર સન્માન યાત્રાના સંયોજક ગોપાલ ચમારડીએ જણાવ્યું છે કે, આ ‘કર્મથી ધર્મની યાત્રા’ 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ યાત્રા બારડોલીથી શરૂ થઈને સોમનાથ સુધી 1800 કિલોમીટરનું અંતર કાપશે, જેમાં 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામોને આવરી લેવામાં આવશે. આ યાત્રાનો મુખ્ય હેતુ દરેક ભારતીયને જોડવાનો છે અને જ્ઞાતિ-જાતિના વાડાઓથી પર રહીને “હમ ભારતીય હૈ”નો સંદેશ ફેલાવવાનો છે.
