ભારત બંધ, નવા લેબર કોડ સામે બેંકકર્મચારીઓ રોડ પર ઉતર્યા
કહ્યું-માલિકોને ‘હાયર એન્ડ ફાયર’ની નીતિ મળી જશે
સરકાર ગ્રેચ્યુઈટીના નામે કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન આપે છે, કાયમી નોકરી આપો
ચાર નવા લેબર કોડ કર્મચારીઓના હિતમાં નથીઃ ડી. એલ. વ્યાસ
‘પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટરની બેંકો આજે બંધ’
રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો
કેન્દ્ર સરકારા દ્વારા લાવવમાં આવેલા ચાર નવા કાયદાને લઈને દેશના મોટા બેંક સંગઠનો ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) સહિતના દેશભરના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા ભારતબંધનું એલાન કરવામાં આવ્યું હતું.
આજે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) સહિતના સંગઠનો આ હડતાળમાં જોડાતા રાજ્યભરના બેંકિંગ વ્યવહારોને ગંભીર અસર પહોંચી છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ હડતાળને કારણે ગુજરાતમાં અંદાજે 15,000 કરોડ બેંકિંગ ટ્રાન્ઝેક્શનને અસર જોવા મળી રહી છે. આ રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.
ગુજરાતભરમાં બેંકર્મચારી વિવિધ બેનરો સાથે રોડ પર ઉતર્યા છે. બેંકકર્મીઓએ ‘ગવર્મેન્ટ કી હિટલરશાહી, નહીં ચલેગી, નહીં ચલેગી’, ‘લેબર કોડ વાપસ લેના હોગા’ જેવા સુત્રોચ્ચાર કર્યા હતાં. દેશના 10થી વધુ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની માગ છે કે, સરકાર નવો લેબર કોડ પરત લે.
વડોદરાથી લોકલ બેંક એમ્પ્લોઈઝ કો-ઓર્ડિનેશન કમિટીના જનરલ સેક્રેટરી ડી. એલ. વ્યાસે જણાવ્યું હતું કે, દેશના 10 કેન્દ્રીય મજૂર સંગઠનો (BMS સિવાય) દ્વારા આજે ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું છે. બેંકિંગ ઉદ્યોગના ત્રણ મુખ્ય સંગઠનો AIBEA, AIBOA અને BEFIએ પણ આ હડતાળમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. લેબર કોડ પાછા ખેંચવાની અમારી માંગણી છે. સરકારે તાજેતરમાં જે ચાર નવા લેબર કોડ દાખલ કર્યા છે તે કર્મચારીઓના હિતમાં નથી. આનાથી માલિકોને ‘હાયર એન્ડ ફાયર’ (ગમે ત્યારે નોકરીએ રાખવા અને છૂટા કરવા)ની નીતિ મળી જશે.
તેઓએ કહ્યું કે, અત્યારે દેશના યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે અમારી માગ છે કે કોન્ટ્રાક્ટ પ્રથાને બદલે કાયમી નોકરીઓ હોવી જોઈએ. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સિવાયની લગભગ તમામ પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટરની બેંકો આજે બંધ છે. સ્ટેટ બેંકની કામગીરી ચાલુ છે, પરંતુ બાકીની મોટાભાગની બેંકોના કર્મચારીઓ કામથી અળગા રહ્યા છે.
સુરતમાં સવારથી જ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ યુનિયન અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં કામદારો સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હડતાળમાં માત્ર બેંક કર્મચારીઓ જ નહીં, પરંતુ LIC, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, એસ.ટી., આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાયા છે. સુરતના કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક યુનિયનોએ પણ આ લડતને ટેકો જાહેર કર્યો છે.
હડતાળને કારણે રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેશ ડિપોઝિટ, વિડ્રોઅલ અને ચેક ક્લિયરિંગ જેવી સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. જોકે, ખાનગી બેંકો અને ઓનલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શન (UPI/NEFT) કાર્યરત હોવાથી સામાન્ય નાગરિકોને આંશિક રાહત મળી છે. પરંતુ, સરકારી કચેરીઓ અને જાહેર ક્ષેત્રના એકમોમાં કામકાજમાં મોટી રુકાવટ જોવા મળી રહી છે. ટ્રેડ યુનિયનના અગ્રણીઓએ ચીમકી આપી છે કે, જો સરકાર તેમની માંગણીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ નહીં દાખવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.