ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી માવઠાનો માર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા છે. ખેતરમાં તૈયાર થયેલા ઉભા પાકને નુકશાન થયું છે. અને આ નુકશાન બાદ હવે ખેડૂતો સરકાર પાસેથી સહાયની માંગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી હાલ રાજ્યમાં સર્વેનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે સર્વેની વચ્ચે સૌરાષ્ટ્રના માવઠાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લેશે. બપોર બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં નુક્શાનીનું નિરીક્ષણ મુખ્યમંત્રી કરશે. મુખ્ય સચિવ, નાણા વિભાગના અધિકારીઓ પણ સાથે હાજર રહેશે. અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોનુ દર્દ સીએમ જાણશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની સ્થિતિના નિરીક્ષણ માટે સોમવારે બપોર બાદ આ જિલ્લાઓના ગામોની મુલાકાત લેશે.
મુખ્યમંત્રી ખેડૂતો પર આવી પડેલી આ કુદરતી વિપદામાં તેમની પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સ્થળ પરની સ્થિતિની સમીક્ષા કરશે.
મુખ્યમંત્રી સાથે ગીર સોમનાથના કડવાસણ ગામની મુલાકાતમાં મંત્રીઓ સર્વ અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા તથા જુનાગઢના પાણીદ્રા ગામની મુલાકાતમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા પણ જોડાશે.
