વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિને રાષ્ટ્રનિર્માણમાં વડાપ્રધાનના મહામૂલા યોગદાનને બિરદાવવા દેશભરમાં અનેકવિધ સામાજિક અને જાહેર સેવાના કાર્યક્રમો યોજાયા, જેમાં એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નમોત્સવ’ અમદાવાદમાં યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ -‘નમોત્સવ’ નિહાળ્યો હતો. બાપુનગરના સોનારીયા બ્લોક ખાતે યોજાયેલા ‘નમોત્સવ’ કાર્યક્રમમાં જાણીતા કલાકાર સાંઈરામ દવે સહિત ૧૫૦ કલાકારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન સહિત સામાજિક અને રાજકીય ક્ષેત્રે રાષ્ટ્ર પ્રત્યેના મહામૂલા યોગદાનને મંચ પર આબેહૂબ જીવંત કર્યું હતું.
મુખ્યમંત્રી સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઇ બેરા તથા સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ શો નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા.
બાપુનગર સેવા સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાએ સ્વાગત પ્રવચન કરતા ભવ્ય શો નિહાળવા આવેલા સૌ કોઈને આવકાર્યા હતા.
બાપુનગર સેવા સમિતિ દ્વારા આયોજિત અને જીસીસીઆઈ (GCCI)ના સહયોગથી યોજાયેલા ‘નમોત્સવ’ મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉને નિહાળવા સાંસદો, ધારાસભ્યો, મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા હોદ્દેદારો, કાઉન્સિલરો, રાજકીય – સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
