જૂનાગઢના કોટેચા પરિવારે ઘરની મહિલાઓનું પૂજન કર્યું, પગે લાગી માફી માગી: 4 દાયકાથી ચાલે છે આ પરંપરા
Views: 67
1 0

Read Time:4 Minute, 22 Second

​ભારતીય સંસ્કૃતિમાં દિવાળીના પાવન પર્વ પર લક્ષ્મીપૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ધન અને સમૃદ્ધિનાં દેવી લક્ષ્મી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે, પરંતુ ગુજરાતના જૂનાગઢના કોટેચા પરિવારે આ પરંપરાને એક અસામાન્ય અને પ્રેરણાદાયી સ્વરૂપ આપ્યું છે. છેલ્લાં 40 વર્ષથી કોટેચા પરિવારના પુરુષો દિવાળીના લક્ષ્મીપૂજનના દિવસે ધનના નહીં, પણ ઘરના સાચા વૈભવ, એટલે કે ઘરની તમામ મહિલાઓ માતા, પત્ની, દીકરી અને પુત્રવધૂની પૂજા કરે છે, તેમને સાક્ષાત્ લક્ષ્મી માતાનો અવતાર માને છે.

​આ પરિવારના મોભી એટલે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાને ત્યાં ઊજવાય છે. આ અંગે ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લક્ષ્મીપૂજનમાં લોકો ઘરમાં રહેલા પૈસા, ચોપડા, હિસાબો કે લક્ષ્મીનું પૂજન કરે છે. અમારો કોટેચા પરિવાર પોતાની દીકરી અને પુત્રવધૂઓની પૂજા કરે છે. છેલ્લાં 40 વર્ષથી કોટેચા પરિવારની સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે.

​ગિરીશભાઈના મતે આ સ્ત્રીઓ ‘પુણ્યનો પર્યાય’ છે અને તેમની પૂજા-અર્ચના કરીને તેમની માફી માગવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમારા ઘરમાં જે પણ મહિલાઓ છે તેમનું પૂજન કરવું જોઇએ. જે ઘરમાં સ્ત્રી રાજી હોય છે ત્યાં કોઇ દિવસ લક્ષ્મી ખૂટતી નથી. ઘરમાં શાંતિ રહે છે. તેમની પાસે માફી પણ માગી લેવી. એનાથી સંયુક્ત ભાવના પણ વધે છે અને સુખ-શાંતિ રહે છે. કોટેચા પરિવારના પુરુષો પોતાની પત્ની, માતા, બહેનો અને દીકરીઓની આરતી ઉતારે છે, પૂજન-અર્ચન કરે છે અને તેમના આશીર્વાદ પણ લે છે. તેઓ માને છે કે ઘરની સ્ત્રી જ લક્ષ્મીનું સ્વરૂપ છે. આજે મારા ઘરે આવો ત્યારે મારી પત્ની ગીતા અને પુત્રવધૂને જોતાં કોઈપણ એવું ન કહે કે આ બંને સાસ-વહુ છે, તે બંને સગી મા-દીકરીની જેમ રહે છે.

​ગિરીશભાઈ કોટેચાનાં પત્ની ગીતાબેન કોટેચાએ આ પારિવારિક પરંપરા વિશે લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારા કોટેચા પરિવારમાં છેલ્લાં 40 વર્ષથી મારાં સાસુના સમયથી કોટેચા પરિવારની વહુ, પુત્રવધૂ, માતા અને દીકરીઓની કોટેચા પરિવારના પુરુષો પૂજા કરે છે અને માફી માગે છે. અમારા ઘરમાં વર્ષોથી બધી પુત્રવધૂઓનું પૂજન કરવામાં આવે છે. જે ઘરમાં મહિલાઓનું પૂજન થતું હોય તેને બીજે ક્યાંય લક્ષ્મી શોધવા જવું નથી પડતું. દીકરી અને વહુ જે ઘરમાં હસતી હશે એ ઘરમાં હંમેશાં લક્ષ્મીનો વાસ રહેશે.

​તેઓ માને છે કે આજના દિવાળીના પાવન પર્વ પર અમારા પરિવારના પુરુષો અમારી આરતી ઉતારે છે, પૂજા-અર્ચના કરે છે અને માને છે કે ઘરની સાચી લક્ષ્મી ઘરની સ્ત્રી છે. કોટેચા પરિવારના પુરુષો માને છે કે આખું વર્ષ ઘરની સ્ત્રીને કંઈ બોલાઈ ગયું હોય તો એની માફી માગી તેને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરે છે. ગીતાબેને સમાજને સંદેશ આપતાં કહ્યું કે લોકો મંદિરે જઈ લક્ષ્મી માતાની પૂજા કરે છે ત્યારે સાચી લક્ષ્મી ઘરની સ્ત્રી છે એવું અમારા કોટેચા પરિવારના પુરુષો માને છે. દરેક ઘરમાં લોકોએ પોતાના ઘરની સ્ત્રીને લક્ષ્મી માની પૂજા કરવી જોઈએ, ઘરની લક્ષ્મીની પૂજા કરવાથી આપમેળે જ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!