જેતલુપર ગામથી ચોસર ગામ જવાના રોડ પર આવેલી રોહિદાસ સોસાયટીના નાકે આવેલા તળાવમાં અજાણ્યા શખ્શો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે. તેમજ સોસાયટીના રહીશોને દુર્ગંધને કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યું છે.
અમદાવાદ ખેડા હાઈવે પર આવેલા જેતલપુર ગામના પાછળના વિસ્તારમાં રોહિત મોહલ્લો અને રોહિદાસ સોસાયટી આવેલી છે. જેના નાકા પર આવેલા તળાવમાં અજાણ્યા શખ્શો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે તળાવમાં રહેલી અસંખ્ય માછલીઓનું મોત નિપજ્યું છે. તેમજ તળાવમાંથી આવતી અસહ્ય દુર્ગંધના કારણે રહીશોને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. ગત રોજ મોહલ્લામાં બેસણું હતું. જેમાં આવેલા લોકોને પણ આ અસહ્ય દુર્ગંધને કારણે રૂમાલથી મો ઢાંકવાની ફરજ પડી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ તળાવના પાણીનો ઉપયોગ ખેતીમાં સિંચાઈ માટે પણ કરવામાં આવે છે. ત્યારે આ તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાતા રહીશોએ આ મામલે ગામના સરપંચ અને આરોગ્ય વિભાગને પણ રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં મહોલ્લામાં લગ્ન પ્રસંગો છે. જેમાં આવનાર મહેમાનોને તકલીફ ન પડે અને વહેલી તકે આ સમસ્યાનો નિકાલ થાય તેવી માગ રોહિદાસ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી છે.
