આઠમાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીના ભાગરૂપે, મહિલા અને બાળ વિકાસ વિભાગ, અમદાવાદ ઝોન દ્વારા ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનના પ્રારંભ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કિશોરીઓમાં પોષણ અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી ગુજરાતી યુનિવર્સિટી કેમ્પસમાં ‘પૂર્ણા રન ફોર પોષણ” રેલી (વોકેથોન) અને આરોગ્ય તપાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ઝોનના વિભાગીય નાયબ નિયામકશ્રીની આગેવાની હેઠળ આ કાર્યક્રમમાં 150 કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કિશોરીઓએ રેલી સ્વરૂપે જાગૃતિ ફેલાવીને પોષણના સંદેશને સમાજ સુધી પહોંચાડ્યો હતો.
આ કાર્યક્રમમાં પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી; જેમાં 82 કિશોરીઓનું હિમોગ્લોબિન અને સામાન્ય આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ તપાસનો હેતુ કિશોરીઓમાં એનિમિયા (પાંડુરોગ) અને અન્ય પોષણ સંબંધિત ખામીઓને વહેલી તકે ઓળખીને તેમને યોગ્ય માર્ગદર્શન અને સારવાર આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા વક્તાઓ દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહારનું મહત્ત્વ, સ્વચ્છતા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કિશોરીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આઈસીડીએસ, રીજનલ ડેપ્યુટી ડાયરેક્ટ ઈલાબા રાણા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આઇસીડીએસ પ્રોગ્રામ ઑફિસર મીનલબા વાળા અને અમદાવાદ જિલ્લા પંચાયત ઇન્ચાર્જ પ્રોગ્રામ ઑફિસર દર્શનાબહેન પટેલ હાજર રહ્યાં હતાં.
