ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા પૂર્વ સૈનિકો અને ‘ગુજરાત પૂર્વ સૈનિક સંગઠન’ દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું હતું, જેમાં રેલી પહેલાં પૂર્વ સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી છે. આ આંદોલનમાં સવારે 50થી વધુ પૂર્વ સૈનિકોની અટકાયત કરી હતી. DySPએ કહ્યું હતું કે મહારેલીની પરમિશન અપાઈ નથી.
1500 જેટલા આંદોલનકારી પૂર્વ આર્મી જવાનોએ રસ્તા રોક્યા
ગાંધીનગરમાં પોલીસે અટકાયત કરતા તેમને છોડાવવા માટે બપોર પછી અઢી વાગ્યા આસપાસ આક્રોશમાં આવેલા 1000-1500 પૂર્વ આર્મી જવાનો અમદાવાદ આવ્યા હતા. એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજના રસ્તા રોકી લીધા હતા. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, સેક્ટર 2, ડીસીપી,એસીપી સહિતનો મોટો કાફલો પહોંચ્યો હતો. તેમજ અટકાયત દરમિયાન ઘર્ષણ થયા બાદ પોલીસે તમામ અટકાયતીઓને મુક્ત કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ તેમને સમજાવીને રસ્તો ક્લિય કરાવ્યો હતો. જો કેપૂર્વ સૈનિકોએ માંગ કરી છે કે ગાંધીનગર ખાતેથી જે જે પૂર્વ સૈનિકોની અટકાયત કરી હતી, તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.
અમદાવાદમાં પૂર્વ આર્મી જવાનો વીફર્યા, રસ્તા રોકતાં ચક્કાજામ
પોલીસે મામલો થાળે પાડ્યા બાદ પૂર્વ સૈનિકો આર્મી હોસ્પિટલમાં જમવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ ફરીથી બહાર આવ્યા અને પોત પોતાના વાહનોમાં ગાંધીનગર સચિવાલય જવા રવાના થયા હતા. ત્યાર બાદ એરપોર્ટ સર્કલ ખાતે આવેલી આર્મી હોસ્પિટલના ગેટ પર લોક મારી દેવામાં આવ્યું છે.
એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ અને શાહીબાગ તરફ બંને બાજુ 2 કિમી ટ્રાફિકજામ
ગુજરાત પૂર્વ સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની મુક્તિની પણ તેઓ માંગ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોને પોલીસે ડિટેઈન કર્યા છે. જ્યાં સુધી તેમના નેતાઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. તેમજ ચીમકી ઉચ્ચારી છે કે, પૂર્વ સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતને છોડવામાં ન આવે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે. તેમજ તેને તાત્કાલિક મુક્ત કરાવવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું.
