અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં આવેલ શાહીબાગ વોર્ડમાં જનસુખાકારી, શહેરી સુવિધાઓમાં વધારો તથા આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે અંદાજિત રૂ. ૮૮ લાખના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દરેક વોર્ડમાં નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાહીબાગ વિસ્તારના વિકાસ માટે હાથ ધરવામાં આવેલા આ કાર્યો સ્થાનિક નાગરિકોના જીવનસ્તરને વધુ સુખાકારીપૂર્ણ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
વિકાસકાર્યોની શરૂઆત તરીકે શાહીબાગ ખાતે આવેલા સિનિયર સિટીઝન પાર્કના રીનોવેશન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રીનોવેશન બાદ વૃદ્ધ નાગરિકોને હરવા-ફરવા, આરામ કરવા તથા સામાજિક પ્રવૃત્તિઓ માટે વધુ સુવિધાસભર, સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત, શાહીબાગ વોર્ડની નીલકંઠ પાર્ક–૨, પરમેશ્વર પાર્ક સોસાયટી, શ્રી ઉત્તર ગુજરાત વીર માયા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ઉત્તર ગુજરાત સોસાયટી, વાસુદેવ નગર સોસાયટી તથા ગ્રીન સિટી ફ્લેટ સહિતની વિવિધ જગ્યાઓએ આર.સી.સી. રોડ, પથ્થર પેવિંગ અને પેવર બ્લોક જેવા આવશ્યક માળખાગત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોથી વાહનવ્યવહાર સરળ બનશે તેમજ સ્થાનિક રહીશોને દૈનિક આવાગમનમાં સુવિધા મળશે.
આ વિસ્તારની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના હેતુસર પરકોલેટિંગ વેલના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પરિયોજનાથી વરસાદી પાણીના સંગ્રહ થકી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને પાણી સંરક્ષણને પ્રોત્સાહન મળશે.
રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ તમામ વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરી સ્થાનિક નાગરિકોને સમર્પિત કરવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે, સરકાર નાગરિકકેન્દ્રિત વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે.
આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, સ્થાનિક જનપ્રતિનિધિઓ, આગેવાનો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
