શહેરના CNCD એબીસી સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ, સુએજ પમ્પિંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે શ્રી નોર્થ ઈસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા 30 લાખના ખર્ચે CNG ગેસ સંચાલતિ ડોગ સ્મશાનગૃહ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે, જોકે CCTV સુવિધા સાથે પેટ ડોગ ઓનર્સ તેમના પેટ ડોગની અંતિમવિધિ હવે ઘેરબેઠાં પણ જોઈ શખશે. તો બીજી તરફ શ્વાનના ખસીકરણ ઓપરેશન દરમિયાન નીકળતા ઓર્ગનના નાશ માટે નાનું ઓર્ગન મશીન છેલ્લાં બે વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે.
આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે ત્રણ ડોગના અંતિમસંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. એમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહનપ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 800°Cથી 900°C તાપમાને દહનપ્રક્રિયા થાય છે.
બે ડોગના અંતિમસંસ્કાર માટે આશરે 14 યુનિટ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, જ્યારે એક ડોગ માટે અંદાજે રૂ. 700 જેટલો ખર્ચ આવે છે. આ મશીન પર્યાવરણીય માપદંડોને અનુરૂપ, સ્મોક ઓડરલેસ અને કલરલેસ તેમજ એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી છે. ક્રિમેશન ચેમ્બરનું કદ આશરે 4 ફૂટ × 3 ફૂટ × 3 ફૂટ કંટ્રોલ પેનલ છે તથા ઓટોમેટિક ટ્રોલી સિસ્ટમ દ્વારા મૃત પ્રાણીને અડ્યા વગર પ્લેટફોર્મ સિસ્ટમથી ક્રિમેટર મશીન સુધી લઈ જવાની સુવિધા ઉપલબ્ધ છે.
હ્યુમન ક્રિમેટોરિયમના ધોરણે અહીં અંતિમવિધિ માટે માનવસંવેદનશીલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. CCTV સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘેરબેઠાં પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. મૃત શ્વાનનાં પરિવારજનો માટે 6 સીટિંગ બાકડાની વ્યવસ્થા છે તેમજ પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ એનાં અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે.
આ અંતિમવિધિની ઉપયોગની પ્રક્રિયા સરળ છે, જેમાં પેટ ડોગના મૃત્યુની જાણ 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે તેમજ પેટ ડોગનાં રજિસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહે છે. આ ઉપરાંત ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ, ફૂલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સના સ્થળ પર માલિકની મુલાકાત લઇ પેટ ડોગ્સની વિધિવત્ માલિક દ્વારા તેના ઘરે પૂજાવિધિ, ફૂલહાર કરી પેટ ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે.
માલિક ઇચ્છે તો ક્રિમેશનની વિધિમાં સામેલ રહી શકે છે. જો પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયું ન હોય તો તેવા માલિકો માટે ઓનલાઇન માધ્યમથી રજિસ્ટ્રેશન/શ્વાન સેવા ડોનેશન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. પરિવારજનો માટે ફોટો અથવા વીડિયો તેમજ પેટ ડોગના મૃત્યુનું પ્રમાણપત્ર અને વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યાદગીરી સંદેશ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે પેટ ડોગના અંતિમસંસ્કાર માટે જે લોકોએ પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેમની પાસેથી અંતિમવિધિ માટે ચાર્જ લેવામાં આવશે નહીં. જે લોકોએ પેટ ડોગનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમણે તેમની યથાશક્તિ પ્રમાણે ઓનલાઈન ડોનેશન કરી શકશે. પેટ ડોગ પૂરતી હાલ આ વ્યવસ્થા કરવામાં આવી છે.