જેતપુર શહેરમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ શખ્સ કોઈપણ મેડિકલ ડિગ્રી વગર વર્ષોથી લોકોની સારવાર કરતો હતો. આરોપી નથુની ઉર્ફે મનીષ પાસવાન (ઉંમર 44) મૂળ બિહારના કૈમુર જિલ્લાનો રહેવાસી છે.
SOG ટીમે જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં દરોડો પાડીને આ નકલી ડોક્ટરને પકડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે માત્ર ધોરણ-10 પાસ હોવા છતાં અંબર સિનેમા પાછળ ક્લિનિક ચલાવી એલોપેથીક સારવાર કરતો હતો.
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ SOG ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરોડા દરમિયાન પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 51,905 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં રૂ. 51,655 ની કિંમતની વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ અને રોકડ રકમનો સમાવેશ થાય છે.
આ સફળ કામગીરીમાં SOG પી.આઈ. એફ.એ. પારગી, એ.એસ.આઈ. પરબતભાઈ, કોન્સ્ટેબલ રઘુભાઈ, નિર્મળસિંહ, ચિરાગભાઈ અને કલ્પેશભાઈ જોડાયા હતા. જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.