ગુજરાતમાં ગરમીએ માઝા મુકી છે. હીટવેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અમદાવાદમાં હોસ્પિટલ તંત્ર દ્વારા હિટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 25થી વધુ બેડ અને જરૂરી દવાઓ સાથે વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં 15થી વધુ નર્સિંગ સ્ટાફ અને તબિબોને જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ એએમસી દ્વારા એએમટીએસ સ્ટેશન પર ફૂવારા લગાવવામાં આવ્યાં છે. બપોરના સમયે મુસાફરોને ગરમીથી બચાવવા માટે ફૂવારા ચાલુ કરાયા છે.
હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, જ્યારે ગરમીનું પ્રમાણ સૌથી વધુ હોય છે તેવા બપોરના સમયે આ ફુવારા ચાલુ રાખવામાં આવશે. આ ફુવારા દ્વારા છાંટવામાં આવતા પાણીના ટીપાંથી સ્ટેશન પર રાહ જોઈ રહેલા મુસાફરોને ગરમીમાં થોડી રાહત અને ઠંડકનો અનુભવ થશે.
વધતી જતી ગરમીને કારણે શહેરમાં ‘હીટ સ્ટ્રોક’ (લૂ) લાગવાનો ખતરો પણ વધ્યો છે. તબીબોએ નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને બપોરે 12:00 થી 4:00વાગ્યા દરમિયાન બિનજરૂરી રીતે તડકામાં નીકળવાનું ટાળવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વધુમાં વધુ પાણી, લીંબુ શરબત કે છાશનું સેવન કરવું. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ ગરમીની સીધી અસર હેઠળ જલ્દી આવી જતા હોવાથી તેમની વિશેષ કાળજી રાખવી.
હવામાન વિભાગે 3 દિવસ હિટવેવની આગાહી ગુજરાત માટે કરી છે જેમાં રાત્રે પણ ગરમી સહન કરવી પડશે અને સુરેન્દ્રનગર, રાજકોટમાં રેડ એલર્ટ અપાયું છે, ગુજરાતમાં વોર્મ નાઇટની રાત્રે અસર રહેશે અને પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.માર્ચમાં મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઇ છે અને માર્ચ મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યો છે, દિવમાં 100 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટયો છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.